વાંકાનેર બાઉન્ડ્રી નજીક હિટ એન્ડ રન અકસ્માતની ઘટના મામલે રોડ ક્રોસ કરી રહેલ મહિલાનું ટેમ્પો ટ્રાવેલરની ઠોકરે ગંભીર ઇજાઓ પહોચી હતી, અકસ્માત સર્જી ટેમ્પો ટ્રાવેલ્સનો ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો, ત્યારે અકસ્માતમાં ઇજા પામનાર મહિલાને પ્રથમ ચોટીલા,રાજકોટ બાદ વધુ સારવારમાં અમદાવાદ ખાતે રીફર કરતા જ્યાં મહિલાએ ચાલુ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો, હાલ મૃતકના કૌંટુંબીક દેવર દ્વારા ટેમ્પો ટ્રાવેલ્સના ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યપ્રદેશના મંદસોર જીલ્લાના કુંડલા બુજુર્ગ ગામે રહેતા કમલસિંહ નિર્ભયસિંહ પુરસિંહ પરીહાર ઉવ.૪૬ એ વાંકાનેર તાલુમાં પોલીસ મથક ખાતે આરોપી ટુરીસ્ટ ટેમ્પો રજી.નં. જીજે-૦૬-એક્સએક્સ-૦૮૯૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઇ તા.૦૨/૦૧ના રોજ મધ્યપ્રદેશથી ત્રણ ધામની જાત્રાએ નીકળેલ કમલસિંહના પરિવારના સભ્યો ત્રાંબકેશ્વર પંચવટીથી દ્વારકા જવા માટે તા.૨૬/૦૧ના રોજ વાંકાનેર બાઉન્ડ્રી નજીક રાત્રી રોકાણ કર્યું હોય ત્યારે ૨૭/૦૧ની વહેલી સવારે ટુરીસ્ટ ટેમ્પોના ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે ગફલતભરી રીતે બેદરકારીપુર્વક ચલાવી નીકળી કમલસિંહના કૌટુંબીક ભાભી જસુબાઇ ચાલીને રોડ ક્રોસ કરવા જતા હોય ત્યારે હડફેટે લઇ ઠોકર મારી રોડ પર પછાડી દેતા તેઓને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી, જે દરમિયાન અકસ્માત સર્જી ટેમ્પો ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો, ત્યારે અકસ્માતમાં ઇજા પામનાર જસુબાઈને પ્રથમ ચોટીલા સિવિલ હોસ્પિટલ ખાતે સાઈવરમાં ખસેડાયા હોય જ્યાંથી વધુ સારવામાં રાજકોટ બાદ અમદાવાદ ખાતે લઈ જતા જ્યાં ચાલુ સારવારમાં તા.૦૭/૦૨ના રોજ જસુબાઈનું મૃત્યુ નીપજ્યું હતું, જે મુજબની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલ આરોપી ટેમ્પો ટુરીસ્ટ ટ્રાવેલ્સના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.