વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે ગામમાં ડમ્પર દ્વારા કરવામાં આવેલ અકસ્માત મુદ્દે ગામમાંથી ડમ્પર નહિ ચલાવવા બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખી યુવાન અને તેના ભાઈ ઉપર બોલેરો ગાડીમાં આવેલા પાંચ જેટલા શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવાનને હાથ-પગમાં ઇજાઓ પહોંચતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા વિવેકભાઈ વિનુભાઈ કેશાભાઈ ભુસડીયા ઉવ.૨૦ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી લોકુમભાઈ કાઠી, કાળુભાઇ કાઠી બાંબે રહે.મેસરીયા ગામ તથા આરોપી હરેશભાઇ રહે.રંગપર તા.વાંકાનેર તેમજ દોલુભાઈ અને અજાણ્યો એક ઈસમ એમ કુલ પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ત્રણેક દિવસ અગાઉ ફરિયાદીના નાનીમાને ગામના રોડ પર ડમ્પર ચાલક દ્વારા અકસ્માત થવાથી સામાન્ય ઇજા પહોંચી હતી. ત્યારબાદ ગામના રોડ પર ડમ્પર ચલાવવાની ના પાડતા આરોપી લોમકુભાઈ કાઠી સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતે આરોપીએ મનદુખ રાખી ફરીયાદી તથા તેનો ભાઈ રિક્ષામાં મોરબી જઈ રહ્યા હતા તે દરમ્યાન ગારીડા ગામ પાસે ગાત્રાળ હોટલ નજીક બોલેરો ગાડીમાં આવેલા આરોપી કાળુભાઈ કાઠી, હરેશભાઈ, દોલુભાઈ તથા એક અજાણ્યા ઇસમે રિક્ષા અટકાવી ફરિયાદીને નીચે ઉતાર્યો હતો. બાદમાં તમામ આરોપીઓએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે ફરીયાદીને આડેધડ માર માર્યો હતો. આ હુમલામાં ફરીયાદીને હાથ અને પગમાં ઇજાઓ પહોંચી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









