વાંકાનેરમાં હાલ રાજકીય નેતાઓના દબાણ અને દખલગીરી અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક કથળતી જતી હોય તેવા છાસવારે બનતા બનાવોથી અસામાજિક અને ગુંડાતત્વોમાં પોલીસ તંત્રનો ખોફ ઓસરતો હોય તેવો એક બનાવ સામે આવ્યો છે, જેમાં વાંકાનેર નગરપાલિકા ચૂંટણીના વિજય સરઘસમાં ફટાકડા ફોડવા બાબતનો ખાર રાખી બે ભાઈઓએ પાન અને કોલ્ડ્રિંક્સની દુકાનના વેપારી યુવકને ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી માથામાં લોખંડનો પાઇપ ફટકારી ગંભીર ઇજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે વેપારી યુવકે વાંકાનેર તથા રાજકોટ સારવાર લીધા બાદ અત્રેના પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો અનુસાર, વાંકાનેર દિવાનપરા શેરી નં.૧ માં રહેતા કેવલભાઈ રાજેશભાઇ સુરેલા ઉવ.૨૫ ગઈ તા.૨૪/૦૪ ની રાત્રીએ પોતાના મિત્ર સાથે વાંકાનેર માર્કેટ ચોકમાં સોડા પીવા જતા હોય ત્યારે જલારામ ગોલાની દુકાન પાસે અમિત સેજપાલ અને વિશાલ સેજપાલ બેઠા હતા, જેને કેવલભાઈને જોઈને ગાળો આપવા લાગ્યા હતા, જેથી કેવલભાઈએ ગાળો કેમ આપો છો ? તેમ કહેતા તુરંત બંને ભાઈઓએ કેવલભાઈને ઢીકા પાટુનો માર મારી લોખંડનો એક પાઇપ ફટકારી બોલવા લાગ્યા કે ગઈ નગરપાલિકાની ચૂંટણીમાં માર્કેટ ચોકમાં નીકળેલ વિજય સરઘસમાં ઉત્સાહમાં આવી ફટાકડા ફોડેલ, હવે આવી ખોટી હોશિયારી કરવી નહીં તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે આજુબાજુના લોકો એકઠા થઇ જતા, કેવલભાઈને વધુ મારથી છોડાવેલ હતા. જે બાદ કેવલભાઈને લોહી નીકળતી હાલતમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં તેમના મિત્ર દ્વારા લાવતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સારવારમાં રીફર કર્યા હતા, હાલ કેવલભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી અમિત જયસુખભાઈ સેજપાલ અને વિશાલ જયસુખભાઈ સેજપાલ બંન્ને રહે. વાંકાનેર સરકારી હોસ્પિટલ સામે જડેશ્વર રોડ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.