વાંકાનેર તાલુકાના વસુંધરા ગામના પાધરમાં આવેલી બૈનેયો નદીના કાંઠે ભેંસોને પાણી પીવડાવવા ગયેલી ૧૧ વર્ષીય બાળકીનું નદીના પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.
વાંકાનેર તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં વસુંધરા ગામના રહેવાસી માનસીબેન જગદિશભાઈ હાડગરડા ઉવ.૧૧ ગઈકાલ તા.૧૫/૦૭ના રોજ ભેંસોને પાણી પીવડાવવા માટે ગામના પાધર વિસ્તારમાં આવેલી બૈનેયો નદીના કાંઠે ગઈ હતી. ત્યારે દુર્ઘટનાવશ તેણીનો પગ લપસતા નદીના પાણીમાં પડી જતાં ડૂબી જવાથી માનસીબેનનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા, પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી મૃતકના પરિવારજનો પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.