વાંકાનેર નવાપરા ખડીપરામાં રહેતી ૬૦ વર્ષની વૃદ્ધા પર સાતથી વધુ યુવકોએ લાકડી-પાઇપ જેવા હથિયારો સાથે હુમલો કરી ઘરમાં તોડફોડ મચાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર વૃદ્ધાએ ફરિયાદ નોંધાવતા, પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેર ટાઉનમાં નવાપરા ખડીપરામાં રહેતા શાંતાબેન ભીમજીભાઈ રામજીભાઈ રાઠોડ ઉવ.૬૦ એ આરોપીઓ (૧)તભો પાટડીયા, (૨)દિપક કોળી, (૩)કરણ પ્રજાપતિ, (૪)કાનો વિંજવાડીયા, (૫)વિવેક, (૬)રોકી પરેચા રહે.બધા વાંકાનેર વાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, આરોપીઓના સબંધી ધ્રુવભાઇ પ્રફુલભાઇ કેરવાડીયા રહે.નવાપરા-પંચસર રોડ વાંકાનેર વાળાનુ થોડા દિવસ પહેલા ખુન થયેલ હોય અને તેનો ફોટો આરોપીઓએ વાંકાનેર નવાપરા વાસુકીદાદાના મંદીર પાસે રાખેલ હોય જે ફોટો ફરીયાદી શાંતાબેનના દિકરા જીતેન્દ્રએ તોડી નાખેલ હોય તેનો ખાર રાખી સાતેય આરોપીઓ રીક્ષા તથા મોટર સાયકલ વાહનમા આવી એક સંપ કરી, મંડળી રચી લાકડી ધોકા પાઇપ જેવા હથીયાર ધારણ કરી, ફરીયાદી શાંતાબેનના ઘરે જઇ બોલાચાલી ઝઘડો કરી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીના ઘરનો દરવાજો તોડી નાખી ઘરમા પ્રવેશ કરી ઘર વખરીની ચીજવસ્તુઓ વેર વિખેર કરી નાખી બાદ મોટર સાયકલ ઉંધા વાળી દઇ નુકશાન કરી ફરીયાદીને બે ત્રણ ઝાપટો મારી મુંઢ ઇજા કરી હતી. હાલ વાંકાનેર સીટી પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની અટક કરવા તજવીજ શરૂ કરી છે









