વાંકાનેરમાં ખેડૂત યુવકને ધંધામાં ખોટ જતા રૂપિયાની જરૂરિયાત અન્વયે બે વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે કુલ ૧૧ લાખ રૂપિયા લીધા હતા, જેની સામે વ્યાજખોરોએ યુવકની કારનું નોટરી લખાણ કરાવી લીધું હતું. જ્યારે બીજીબાજુ યુવકે ૧૧ લાખના ૧૨.૭૦ લાખ ચૂકવી આપ્યા તો પણ વધુ રૂપિયાની લાલચે બન્ને વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરી ખોટી ધમકીઓ આપતા હોય, જેથી ભોગ બનનાર યુવકે માનસિક ત્રાસથી કંટાળી બન્ને વ્યાજખોરો સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, લુણસરિયા ગામ તા.વાંકાનેરમાં રહેતા દિવ્યરાજસિંહ જાયેંદ્રસિંહ ઝાક ઉવ.૨૫ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી મહેશ્વરી મકવાણા અને આકાશ ગલાભાઈ પરમાર બન્ને રહે. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી દિવ્યરાજસિંહને ધંધાન ખોટ જતા રૂપિયાની જરૂરિયાત હોય જેથી તેઓએ પ્રથમ આરોપી મહેશ્વરી મકવાણા પાસેથી ઊંચા વ્યાજે રૂ.૬ લાખ લીધા હતા ત્યારે બાદ ફરી રૂપિયાની જરૂરિયાત ઉભી થતા આરોપી મહેશ્વરી મકવાણાએ પોતાના મિત્ર આરોપી આકાશ પાસેથી રૂ.૫ લાખ વ્યાજે લેવડાવી આપ્યા હતા, જેની સામે દિવરાજસિંહની થાર ગાડીનું નોટરી લખાણ કરાવી તેની આરસી બુક વ્યાજખોરે પોતાની પાસે રાખી હતી. હાલ આજદિન સુધી ફરિયાદીએ બંને વ્યાજખોરોને ૧૧ લાખના બદલના રૂ.૧૨,૭૦૦૦/- ચૂકવી આપ્યા હોવા છતાં બન્ને વ્યાજખોર અવારનવાર વ્યાજની ઉઘરાણી કરવા બેફામ ગાળો આપી અને ખોટી ધમકીઓ આપતા હતા. ત્યારે દિવ્યરાજસિંહની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.









