એલસીબી પોલીસે જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની ૬૨૫ બોટલ, બિયર ટીન ૪૮, મોબાઇલ, આઇસર ગાડી સહિત ૧૨.૭૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
મોરબી એલસીબી પોલીસ ટીમે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીકથી પૂર્વ બાતમીને આધારે વોચ ગોઠવી આઇસરના ચોરખાનામાંથી ૬૭૩ નંગ વિદેશી દારૂ-બિયરની બોટલ તથા ટીનનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે આઇસર ચાલકની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં ગોવાથી આઇસરના ચોરખાનામાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો ભરી આપનાર તથા રાજકોટમાં માલ મંગાવનાર આરોપીઓના નામ ખુલવા પામ્યા હતા. ત્યારે પોલીસે આઇસર, વિદેશી દારૂ-બિયરનો જથ્થો, મોબાઇલ સહિત ૧૨.૭૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી અન્ય આરોપીઓને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોરબી એલસીબી સ્ટાફ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે ખાનગીરાહે બાતમી મળેલ કે અમદાવાદ તરફથી આવતી આઇસર ગાડીમાં ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો રાજકોટ લઈ જવાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીક આવેલ પોલિસ ચોકી સામે વોચમાં હોય ત્યારે ઉપરોક્ત મળેલ બાતમીવાળી આઇસર ગાડી રજી. જીજે-૨૩-એટી-૩૬૦૩ ત્યાંથી પસાર થતા તેને રોકી આઇસરના પાછળના ભાગમાં એકદમ ખાલી દેખાતી ગાડીમાં નટ-બોલ્ટ મારી પતરાની આડમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૬૨૫ બોટલ તથા કિંગફિશર બિયરના ૪૮ ટીન મળી કુલ કિ.રૂ. ૭૨,૫૧૦/- નો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે આઇસર ચાલક આરોપી મુળસીંગ પ્રભાતસીંગ રાઠોડ ઉવ.૪૨ રહે.કનોડા, રાજસ્થાનવાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પકડાયેલ આઇસર ચાલકની પૂછતાછમાં ગોવાના કોચીંન રોડ ઉપરથી વિદેશી દારૂનો માલ ભરી આપનાર દયાનંદ ગોપાલ તથા રાજકોટ ખાતે માલ મંગાવનાર રાજુસીંગની પ્રાથમિક માહિતી આપતા તે બંને આરોપીને ફરાર દર્શાવી કુલ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.