વાંકાનેર થી માટેલ મોપેડ ઉપર જઈ રહેલા બે મિત્રોને વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર અકસ્માત નડ્યો હતો, જેમાં મોપેડને પુરપાટ ગતિએ ચલાવી રાણેકપર ગામના બોર્ડ પાસે વળાંકમાં આગળ જઈ રહેલા ટ્રકની પાછળ મોપેડ અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ ચાલક યુવકનું રાજકોટ સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે મોપેડ પાછળ બેસેલ યુવકને પણ ગંભીર ઇજાઓ પહોંચતા હાલ તે સારવાર હેઠળ હોય, ત્યારે અકસ્માતના બનાવ મામલે મૃતક મોપેડ ચાલક યુવક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
અકસ્માતના બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, વાંકાનેરની સંધી સોસાયટીમાં રહેતા સમીર મજીદભાઈ જેસાણી અને તેમનો મિત્ર ચાંદભાઈ નૂરમામદ સાડ ગઈ તા.૦૯/૧૧ના રોજ ઍક્સેસ મોપેડ રજી. નં. જીજે-૩૬-એએચ-૯૨૦૦ લઈને વાંકાનેર થી માટેલ જતા હોય ત્યારે સમીરભાઈ દ્વારા વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર રાણેકપર ગામના બોર્ડ નજીક આવેલ વળાંકમાં પોતાનું મોપેડ ફુલસ્પીડમાં ચલાવી આગળ જઈ રહેલા ટ્રક રજી.નં. કેએ-૩૩-બી-૫૯૧૨ ની પાછળ જોરદાર અથડાયું હતું, જે અકસ્માતની ઘટનામાં મોપેડ ચાલક સમીરભાઈને અને તેના મિત્ર ચાંદભાઈને શરીરે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તે બંનેને સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સમીરભાઈને માથામાં હેમરેજ જેવી ઇજાઓને કારણે ટૂંકી સારવારમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેમના મિત્ર ચાંદભાઈની હાલ સારવાર ચાલુ હોય. હાલ અકસ્માતના બનાવ અંગે મૃતક સમીરભાઈના પિતા મજીદભાઈ હુશેનભાઈ જેસાણીએ મૃતક સમીરભાઈ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.