પોલીસે આરોપી પિતા-પુત્ર સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો.
વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલી માસ સ્પા પાસે સ્પા ભાડે રાખવા બાબતે વાતચીત દરમિયાન થયેલ બોલાચાલી બાદ હિંસક ઝઘડો શરૂ થયો હતો. જેમાં પિતા-પુત્ર દ્વારા યુવક અને તેના કાકા તથા કુટુંબી ભાઈ સહિતનાઓને જાતિ પ્રત્યે અપમાનિત કરી પાઇપ વડે બેફામ માર મારવામાં આવ્યો હતો. હાલ ભોગ બનનાર યુવકની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બન્ને આરોપીઓની અટકાયત કરવા શોધખોળ શરૂ કરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી નિલેશભાઇ જયંતિભાઇ શેખવા ઉવ.૨૩ રહે. હાલ પ્રેમજીનગર મૂળ દેવચરાડી વાળાએ આરોપી કાનાભાઈ કોળી અને કાનાભાઈનો દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૧૩/૧૧ ના રોજ ફરિયાદી પોતાના કૌટુંબિક કાકા ભુપતભાઇ સાથે માસ સ્પા નજીક હતા. તે સમયે કાકા ભુપતભાઇને સ્પા ભાડે રાખવા બાબતે આરોપી કાનાભાઇ કોળી સાથે બોલાચાલી ચાલતી હતી. ત્યારે ફરીયાદી નિલેશભાઈ વચ્ચે પડતા આરોપી કાનાભાઇએ ફરીયાદીને પાઇપ વડે માથાના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી. જે બાદ નિલેશભાઈ અને તેમના કાકા પોતાના બચાવ માટે ત્યાંથી ભાગી પાડોશના પેટ્રોલપંપ પાસેની પાનની દુકાન તરફ ગયા. પરંતુ બંને આરોપી પિતા-પુત્ર તેમની પાછળ જઈ ફરીવાર હુમલો કર્યો હતો. આ દરમિયાન આરોપી કાનાભાઇએ ફરીયાદીને ફરી માથામાં અને વાસામાં પાઇપનો ઘા મારેલ આ દરમિયાન નિલેશભાઈના કૌટુંબિક ભાઈ સાહેદ હિતેષભાઈને પણ માર માર્યો હતો. હાલ નિલેશભાઈની ફરિયાદને આધારે પોલીસે આરોપી પિતા-પુત્ર સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









