વાંકાનેર તાલુકાના તીથવા ગામે મજૂરી કામ માટે આવેલા રાજગઢ જીલ્લાના દૂધીકાંચ ગામના દંપતી વચ્ચે ઘરેલુ ઝઘડાને લઈને પતિ દ્વારા વારંવાર પત્નીને મારઝુડ કરતો હોય જેથી ત્રસ્ત થઈ પત્નીએ ઝેરી દવા પી લીધી હતી. હાલ પત્નીની સારવાર રાજગઢની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે અને તેણીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની અટક કરવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મૂળ રાજગઢ જિલ્લાના દૂધીકાંચ ગામના રહેવાસી હાલ વાંકાનેર તીથવા ગામે પતિ સાથે ખેત મજૂરી કરતા સુનિતાબેન દિનેશભાઇ ડામોર ઉવ.૧૯ એ તેના પતિ દિનેશભાઇ હરસિંગભાઈ ડામોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા અનુસાર, ફરીયાદી સુનિતાબેને આરોપી દિનેશ સાથે પ્રેમલગ્ન કરેલ હોય અને વાંકાનેર તીથવા ગામે રહેતા હોય અને મજુરી કામ કરતા હોય. પોતાના લગ્નજીવનમાં આરોપી દીનેશે તેની પત્ની સુનિતા સાથે નાની નાની બાબતોમા મારમારી, મારી નાખવાની ધમકી આપતા હોય અને ગઇ તા.૦૧ જુલાઈ ૨૦૨૫ના રાત્રિના નવેક વાગ્યે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં આરોપીએ કહેલ કે દિવસે દાળ રાંધી હતી તે કેવી રીતે બગડી તેમ કહી સુનિતાબેનને ગાળો આપી ઢીકા પાટુનો મારમારી હાથ પગ શરીરે અને મોઢામા મુંઢ ઇજા કરતા ફરીયાદીએ ગુસ્સામા પોતાની જાતે ખેતરમા છાટવાની દવા પી લીધી હતી, જે બાદ સારવાર માટે પ્રથમ રાજકોટ બાદ રાજગઢમાં સુનિતાબેન સારવારમાં હોય, હાલ સુનિતાબેનની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.