વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે આવેલ ટોરીસ બાથવેરની લેબર કોલોનીમાં ૨૦ વર્ષની યુવતી અને ૨૩ વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં મનદુ:ખના કારણે યુવતીએ પહેલા ગળાફાંસો ખાધો હતો, ત્યારબાદ યુવકે તેના મૃતદેહને નીચે ઉતારી પોતે પણ જીવનલીલા સંકેલી હોવાની વિગતો સામે આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અ.મોત અંગેની વિગતો અનુસાર, ગઈકાલ તા. ૪ સપ્ટેમ્બરના રોજ સવારે કોઇપણ સમયે બનેલી ઘટનામાં વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ ટોરીસ બાથવેરની લેબર કોલોનીના રૂમ નં. ૧૩૨ ખાતે રહેતા મધ્યપ્રદેશના બૈતુલ જીલ્લાના વતની મમતાબેન સાલકરામ ઉઇકે ઉવ.૨૦ અને મહેન્દ્રભાઈ સંતોષભાઈ કાસદે ઉવ.૨૩ રહે. રમ નં.૧૩૨ ટોરીસ બાથવેર લેબર કોલોની વાળા વચ્ચે કોઇક કારણસર મનદુ:ખ સર્જાયું હતું. તેના કારણે પ્રથમ મમતાબેને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં મહેન્દ્રભાઈએ મમતાની લાશને નીચે ઉતારી, ત્યાંજ ગળેફાંસો ખાઈ પોતાની જાતે પોતાના જીવનનો અંત આણ્યો હતો. ચકચારી ઘટનાની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી બંનેના મૃતદેહોને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.