મોરબી જિલ્લામાં ગઈકાલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી જેની આજે 15 બેઠકો ની મતગણતરી કરવામાં આવી હતી અને ભાજપ અને કોંગ્રેસ સમરથિત ઉમેદવારો વચ્ચે રસાકસી જોવા મળી હતી. ભારે રસાકસી ને અંતે પ્રથમ પરિણામ વેપારી પેનલનું આવ્યું હતું. જેમાં માર્કેટિંગ યાર્ડની વેપારી પેનલની બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી તથા ખરીદ વેચાણ બેઠકમાં પણ કોંગ્રેસ સમરથિત પેનલનો વિજય થયો હતો.
ત્યારબાદ મહત્વપૂર્ણ ખેડૂત પેનલ ની મતગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી જામી હતી પરંતુ 31 જેટલા મત નો વિવાદ હાલ હાઇકોર્ટ માં હોવાથી મતગણતરી પ્રક્રિયા પૂર્ણ કરીને ખેડૂત બેઠક નું પરિણામ હાલ પૂરતું મોકૂફ રાખવામા આવ્યું હતું. હાઇકોર્ટમાં 18 તારીખની મુદત હોય જે બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે. વધુમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ના સહકારી આગેવાન અને ઉમેદવાર હરદેવસિંહ જાડેજાએ કોંગ્રેસની ખેડૂત પેનલમાં ભંગાણ પડી રહ્યું હોવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી હતી.