વાંકાનેર ખાતે રહેતા આધેડનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યાના બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં માટેલ ખોડિયાર માતાજીના દર્શન કરી મોટર સાયકલમાં ઘરે પરત ફરી રહેલા આધેડને સામેથી પુરઝડપે આવતા ટ્રકે ઠોકરે ચડાવતા, ગંભીર ઇજાઓને કારણે મોટર સાયકલ ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. બીજીબાજુ અકસ્માત સર્જી ટ્રક ચાલક આરોપી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો.
મળતી વિગતો અનુસાર, વાંકાનેર નવાપરા પંચાસર રોડ શેરી નં.૨માં રહેતા શ્રવણભાઈ ઉર્ફે ગટુ મનીષભાઈ વીંઝવાડીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ટ્રક રજી.નં. જીજે-૦૩-બીડબ્લ્યુ-૮૮૨૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગઈકાલ તા ૨૪/૦૧ ના રોજ ફરિયાદીના પિતા મનીષભાઈ વીંઝવાડીયા પોતાનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૩-ડીએલ-૨૯૫૨ લઈને માટેલ ખોડિયાર માતાજીના દર્શન કરી ઘરે પરત ફરતા હોય તે દરમિયાન માટેલ રોડ ઉપર અમરધામ મંદિર સામે રોડ ઉપર સામેથી ઉપરોક્ત ટ્રકના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં અને ગફલતભરી રીતે ચલાવી આવી મનીશભાઈને મોટર સાયકલ સહિત હડફેટે લેતા, મોટર સાયકલ ચાલક મનીષભાઈને માથાના અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેને ૧૦૮ મારફત વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે જોઈ તપાસી મનીશભાઈને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









