જન્માષ્ટમી નજીક આવી રહી છે. ત્યારે વાંકાનેર નગરપાલિકા દ્વારા વાંકાનેર શહેરમાં સાતમ આઠમનો તહેવારોમાં જડેશ્વર રોડ પર નાગા બાવાજી મંદિરનાં સાનિધ્યમાં વર્ષોથી યોજાતા લોકમેળાના વેપારીઓને સ્ટોલ ફાળવી પાલિકા લાખો રૂપિયાની કમાણી કરશે, જે શહેરના વિવિધ વિકાસ કાર્યો માટે વાપરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર શહેરમાં સાતમ આઠમનો તહેવારોમાં જડેશ્વર રોડ પર નાગા બાવાજી મંદિરનાં સાનિધ્યમાં પાલિકા દ્વારા વર્ષોથી લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાને લોકમેળા માટે પાલિકા દ્વારા જાહેર હરરાજી કરવામાં આવી હતી. અને નાગા બાવાજી મંદિર સામે તેમજ આસપાસના વિસ્તારના મેદાનની છેલ્લી બોલી લગાવી ૧૯.૫૦ લાખમાં ગ્રાઉન્ડ મેળા માટે ફિરોજભાઈ દ્વારા રાખવામાં આવ્યું છે. જ્યારે મેળાના મેદાન સિવાય ગર્લ્સ હાઈસ્કૂલ બાપુના સ્ટેચ્યુથી મંદિર સુધી અસંખ્ય નાના મોટા વેપારીઓ સ્ટોલ પર વેપાર કરતા હોય છે. જે હરરાજી કરવામાં આવેલ મેદાનમા સમાવેશ નથી થતો તેથી પાલિકા દ્વારા વેપારીઓને સ્ટોલ ઉભા કરવા તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. તેમ ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું હતું. તેમજ સ્ટેચ્યુ મંદિર સુધીમાં વેપારીઓને સ્ટોલ ફાળવી પાલિકા લાખો રૂપિયાની કમાણી કરશે, જે શહેરના વિવિધ વિકાસ કાર્યો માટે વાપરવામાં આવશે.
સ્ટોલની ફાળવણી અંગે ચીફ ઓફિસર સરૈયા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ જગ્યા પાલિકાની છે જ્યાં પાલિકા તંત્ર દ્વારા જ સ્ટોલ માટે જગ્યા ફાળવાશે. જેના માટે ભાડાની રકમ હવે પછી નક્કી કરવામાં આવશે. મેળાના મેદાનની હરરાજીમાં આ જગ્યા આવતી ન હોવાથી કોઈ પણ વેપારીઓએ મેળાના આયોજકને કોઈ પ્રકારની રકમ આપવાની થતી નથી જેની દરેક ઈચ્છિત વેપારીઓએ નોંધ લેવી. આ જગ્યા પર સ્ટોલ ફાળવવામાં આવશે. તે વેપારીઓને પાલિકા તંત્ર તરફથી ભાડાની રકમની પાવતી આપવામાં આવશે. જેના માટે એક અધિકારીની નિમણૂક કરવામાં આવશે. તેમજ કોન્ટેક્ટ નંબર જાહેર કરવામાં આવશે.