સરકારી વાહનમાં કરેલ નુકસાની બાબતે કહેતા મામલો બીચકયો
વાંકાનેર સીટી વિસ્તારના વીસીપરામાં રહેતા સ્થાનિક દ્વારા નગરપાલિકાની રીક્ષાના કાચમાં મુક્કો મારી નુકસાની કરી હોય જે બાબતે પાલિકાના રોજમદાર કર્મચારીએ એમ નહિ કરવાનું કહેતા રોજમદાર યુવકને અપશબ્દો આપી લાફો માર્યો હોય અને જાતિ પ્રત્યે હડધૂત કરતા સમગ્ર મામલે પાલિકાના રોજમદાર કર્મચારી દ્વારા સીટી પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરવા તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, વાંકાનેરના આંબેડકરનગર શેરી નં.૫ માં રહેતા અને વાંકાનેર નગરપાલીકા કચેરીમાં સફાઈ કામદાર તરીકે રોજમદાર કર્મચારી આકાશભાઇ ગોવિંદભાઇ લઢેર ઉવ.૩૧ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી મનીષભાઇ ભાટી રહે. વીસીપરા વાંકાનેરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા.૦૪/૦૨ના રોજ ફરીયાદી આકાશભાઈ સરકારી કચેરીમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા હોવાનુ આરોપી મનીષભાઈ જાણતા હોવા છતા નગરપાલીકા કચેરીની સરકારી વાહન રીક્ષામાં આગળના કાચમાં જોરદાર મુકકો મારતા ફરીયાદી આકશભાઈએ કહ્યું કે ‘તેમા કોઇ તુટફુટ થાય તો મારી જવાબદારી થાય’ તેમ કહેતા આરોપી ઉશ્કેરાઇને કહેવા લાગ્યો કે ‘તમે અમારા એરીયામાં આવી હવા કેમ કરો છો ? તારીથી કાંઇ ના થાય તેમ કહી આકાશભાઈને જાતિ પ્રત્યે અપમાનિત કરી અભદ્ર શબ્દો બોલી લાફો મારી દીધો હતો. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમની કલમ તથા એટ્રોસિટી મુજબની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, આ કેસની આગળની તપાસ મોરબી નાયબ પોલીસ અધિક્ષક એસ.સી./ એસ.ટી. સેલ વી.બી. દલવાડી દ્વારા શરૂ કરાઇ છે.