વોટ્સએપમાં આવેલ લિંક ઓપન કરતા ખેડૂતના બેંક ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા હોવાની આશંકા.
મોરબી જીલ્લામાં વધુ એક સાયબર ફ્રોડના બનાવમાં વાંકાનેર તાલુકાના જાલી ગામના ખેડૂત ભોગ બન્યા છે, જેમાં વોટ્સએપમાં આવેલ અજાણી લિંક ઓપન કર્યા બાદ બેંક ખાતામાંથી રૂપિયા ૭૭,૭૨૮/- ઉપડી ગયા હતા, હાલ ખેડૂતે બેંક ઓફ ઇન્ડિયાના સ્ટેટમેન્ટ ઉપરથી અલગ અલગ બે યુપીઆઈ આઇડી ધારક કે જેમાં રૂપિયા ટ્રાન્સફર થયા હોય તેની વિરુદ્ધ પ્રથમ ઓનલાઇન સાયબર ક્રાઇમ હેલ્પ ઉપર ફરિયાદ કર્યા બાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી બે યુપીઆઈ આઇડી ધારક વિરુદ્ધ આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લામાં સાયબર ગુનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે તાજેતરમાં વાંકાનેર તાલુકાના જાલી ગામના રહેવાસી હૈદરઅલી આહમદભાઈ કટીયા ઉવ.૭૦ એ વાંકાનેર સીટી પોલીસ મથકે પોતાની ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગઈ તા. ૧૭ માર્ચ ૨૦૨૫ના રોજ રાત્રીના તેમને મોબાઇલ પર બે ટેક્સ્ટ મેસેજ મળ્યા હતા, જેમાં તેમના વાંકાનેરની બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી રૂ. ૪૮,૮૦૮ અને રૂ. ૨૮,૯૨૦ મળીને કુલ રૂ. ૭૭,૭૨૮ ઉપડી ગયા હતા. આ ઓનલાઇન છેતરપિંડીના બનાવ થયાને ચાર પાંચ દિવસ પહેલાં, તેમના સબંધીના નંબર ૯૦૩૩૩૩૨૬૨૨ પરથી વોટ્સએપ પર એક અજાણી લિંક આવી હતી, જેને તેમણે અજાણતા ઓપન કરી હતી, જેને કારણે પૈસાની હેરફેર થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. વધુમાં ભોગ બનનાર દ્વારા બેંક સ્ટેટમેન્ટ્સ મેળવી જોતા ઉપરોક્ત રૂપિયા બે જુદા જુદા યુપીઆઈ આઇડી 507602917384/DR/DHAMJI/R તથા UPI/507602917565/DR/DHAMJI/R- ધારકમાં ટ્રાન્સફર થયા હતા.
આ મામલે ભોગ બનનાર હૈદરઅલી કટીયાએ પ્રથમ ૧૯૩૦ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી છે. પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ આઇટી એક્ટ સહિતના કાયદા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.