‘તને બહુ હવા આવી ગઈ છે’ તેમ કહી લાકડી, પાઈપ અને તલવારથી હુમલો.
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતા યુવક સાથે ‘તને બહુ હવા આવી ગયી છે’ તેમ કહી ઝઘડો બોલાચાલી કરી, યુવક અને તેના ભાઈ પર ગામના જ દસ શખ્સોએ જાહેરમાં અપમાનજનક શબ્દો બોલી લાકડી, તલવાર અને પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં બંને ભાઈઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હાલ બન્ને ભાઈઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ભોગ બનનાર યુવક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામમાં રહેતા ભરતભાઈ ઉર્ફે કાળુ પ્રેમજીભાઈ વોરા ઉવ.૨૪, જે પોતાના મિત્ર અજયભાઈ સાથે રાત્રે જડેશ્વર મંદિરથી પરત આવી રહ્યા હતા. ત્યારે વડસડ તળાવ પાસે રિક્ષા રોકાવી આરોપી ભગાભાઈ ધોધાભાઈ ભરવાડે જાતિ આધારિત ગાળીઓ આપી, ભરતભાઈને રાતીદેવરી ગામે હનુમાન મંદિર પાસે મળવા કહ્યું હતું. જે બાદ ભરતભાઇ ત્યાં પહોચતા ભગાભાઈ અને બીજા નવ શખ્સો ભુપતભાઈ વિભાભાઈ ભરવાડ, હીતેષભાઈ કરશનભાઇ ભરવાડ, પાંચાભાઈ છનાભાઈ ભરવાડ, જયેશભાઈ કરશનભાઇ ભરવાડ, અનીલભાઈ છનાભાઈ ભરવાડ, મેધાભાઈ વિરજીભાઈ ભરવાડ, જીલાભાઈ વિરજીભાઈ ભરવાડ, વિભાભાઈ તથા છનાભાઈ ભરવાડે લાકડી, પાઈપ તથા તલવાર જેવા હથિયારો વડે ગંભીર હુમલો કર્યો હતો. હુમલામાં ભરતભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ મારફતે વાંકાનેર અને ત્યારબાદ રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં ભરતભાઈના મોટાભાઈ દેવજીભાઈ ક્યાં કારણોસર ઝઘડો થયાનું પૂછવા ગયા ત્યારે તેમના ઉપર પણ તલવાર, પાઈપ અને કડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમને જમણા પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી, ત્યારે તેઓને પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ ઇજાગ્રસ્ત ભરતભાઇ ઉર્ફે કાળુભાઇએ વાંકાનેર સીટી પોલીસ સમક્ષ ઉપરોક્ત દસ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી તથા બીએનએસ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.