વાંકાનેર ખાતે ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમ ગેરકાયદેસર રેતીના ખનન સામે કાર્યવાહી કરી રહી હતી ત્યારે હાઇવા ડમ્પર ચાલક અને બે વ્યક્તિઓએ લોખંડના પાઇપ સાથે આવી માઇન્સ સુપરવાઇઝરની ટીમને ધમકી આપી તથા પકડેલ હાઇવા ડમ્પર ગેરકાયદેસર રીતે ધાક ધમકી તથા બળજબરીપૂર્વક છોડાવી લઈ ગયા હતા. જેથી ખનીજ વિભાગના અધિકારીએ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ખનીજ માફિયા આરોપીઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર ખાતે ખનીજ અને ભુસ્તર વિજ્ઞાન વિભાગના માઇન્સ સુપરવાઇઝર વિરપાલસિંહ સતુભા જાડેજા તેમની ટીમ સાથે ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પકડવાની કામગીરીમાં હોય તે દરમિયાન ગઈકાલ તા.૧૩ જુનના રોજ સવારે ૫.૩૦ કલાકે વાંકાનેર-અમરસર ફાટક નજીક વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે જીજે-૦૩-સીયુ-૦૦૧૮ નંબરના હાઇવા ડમ્પરમાં ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરેલી જોવા મળતાં તેને અટકાવાઈ હતી. જ્યારે ડ્રાઇવર પાસે કોઇ અધિકૃત રોયલ્ટી પાસ અથવા ચલણ ન મળતાં હાઇવાને વાંકાનેર પોલીસ લાઇનના પાછળના ભાગે ઊભો રાખવામાં આવ્યો હતો અને બંને સુરક્ષા-ગાર્ડો ત્યાં મુકાયા હતા. આ દરમિયાન લગભગ ૬.૫૫ વાગ્યે એક સફેદ ફોરચ્યુનર કાર રજી.નં. જીજે-૦૩-કેએચ-૮૩૯૦ આવી પહોંચી અને તેમાથી બે વ્યક્તિઓ ડ્રાઇવર સાથે મળીને લોખંડના પાઈપ બતાવી ગાળાગાળી કરીને સુરક્ષા ગાર્ડોને જાનથી મારી નાખવાની ધમકી આપી કબ્જામાં રહેલો હાઇવા ડમ્પર બળજબરીથી લઈ ગયા હતા. આ બનાવ અંગે વિરપાલસિંહ જાડેજાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તજબીજ હાથ ધરી છે