વાંકાનેર તાલુકાના માટેલ ગામે સિમ્બોસા નામના સીરામીક કારખાનામાં વે-બ્રિજ ઉપર પુરપાટ ઝડપે લોડેડ ટ્રક ટ્રેઇલરની ગોલાઈ લેતા, ટ્રક પલ્ટી મારી ગયો હતો, જેમાં ટ્રકનો ક્લીનર ટ્રકની કેબિન નીચે દબાઈ જતા, તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતાએ ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકાના હજનાળી ગામના રહેવાસી અશ્વિનભાઈ કાનજીભાઈ ધંધુકીયા ઉવ.૪૦ એ ટ્રક ટ્રેઇલર રજી.નં. જીજે-૦૩-બીટી-૧૫૦૩ના ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ઉપરોક્ત ટ્રક ટ્રેઇલરમાં ક્લીનર તરીકે ફરિયાદી અશ્વિનભાઈનો પુત્ર રોહિતભાઈ ઉવ.૧૮ નોકરી કરતો હતો, જે ટ્રક ટ્રેઇલરમાં ડ્રાઇવર તરીકે અશોકભાઈ માનસંગભાઈ પારેજીયા રહે. હજનાળી તા.મોરબી વાળો નોકરી કરે છે, ગઈ તા.૦૪/૦૭ના રોજ આ ટ્રક ટ્રેઇલરમાં કોલસો ભરીને તે વાંકાનેરના માટેલ નજીક સિમ્બોસા સીરામીકમાં ખાલી કરવા ગયા હતા, ત્યારે ટ્રક ટ્રેઇલરના ચાલકે સિમ્બોસા સીરામીકમાં આવેલ વે-બ્રિજ ઉપર પુરપાટ ઝડપે કાંટો કરવા માટે પોતાના હવાલાવાળો ટ્રક ટ્રેઇલરની ગોલાઈ લગાવતા ટ્રક પલ્ટી મારી ગયો હતો, જે ટ્રકની કેબિન નીચે ક્લિનર રોહિતનું દબાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું. હાલ પોલીસે આરોપી ટ્રક ટ્રેઇલર ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.