અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો.
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ સીરામીક કારખાનામાં કામ પૂરું કરીને મોટર સાયકલ ઉપર ઘરે જઈ રહેલા બે સગા ભાઈને રોડ ઉપર અકસ્માત નડ્યો હતો, જેમાં ગોળાઈમાં સામેથી આવતા ડમ્પરે મોટર સાયકલને હડફેટે લેતા, બન્ને ભાઈઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે અકસ્માત સર્જી ડમ્પરનો ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો, હાલ ઇજાગ્રસ્તઓટર સાયકલ ચાલકની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે ડમ્પર ચાલક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત મોટર સાયકલ ચાલક નિલેશભાઇ પોપટભાઇ ભામાણી ઉવ.૩૪ રહે.હાલ રાતાવિરડા ગામ નવા પ્લોટમાં ભાડેથી મુળ રહે.સેજકપર તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળા ગઈ તા.૧૮/૦૫ ના રોજ તેમના ભાઇ લાખાભાઇ સાથે પોતાનુ મોટર સાયકલ જીજે-૦૩-કેએન-૪૨૯૯ લઈને એમ્બીટો સીરામીક ખાતેથી કામ પુરુ કરીને ઘરે જતા હતા દરમિયાન કવરટેક કારખાના સામે મોટો સ્ટોન સીરામીકથી રાતાવિરડા તરફ જતા રોડ ઉપર ગોળાઇ પર સામેથી આવતા ડમ્પર (ટ્રક) રજી.નં. જીજે-૦૩-બીટી-૦૪૮૯ના ચાલકે પોતાના હવાલાવાળું વાહન ગફલતભરી રીતે તથા બેફિકરાઇથી ચલાવી નિલેશભાઈને તથા તેના ભાઇ લાખાભાઇને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં નિલેશભાઈને બન્ને પગમાં તથા ડાબા ખભ્ભામાં ફેકચર જેવી ઇજા તથા શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી, જ્યારે મોટર સાયકલમાં પાછળ બેઠેલ તેમના ભાઈ લાખાભાઇને માથામાં, પેટના ભાગે તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટના બાદ તુરંત આરોપી ડમ્પર ચાલક પોતાના હવાલાવાળુ ડમ્પર મુકી નાસી ગયો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને પકડી લેવા આગળની તપાસ ચલાવી છે