વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સોપરાઈટ પેપરમીલના કમ્પાઉન્ડમાં મજૂરી કામ કરી રહેલા શ્રમિકને ડમ્પરના ચાલકે હડફેટે લેતા, શ્રમિકને છાતીના ભાગમાં ગંભીર ઇજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, સમગ્ર અકસ્માતમાં મૃત્યુના બનાવ અંગે મૃતકના પિતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, મૂળ તલાવડી પોસ્ટ લકડકોટ જી. નંદુરબાર મહારાષ્ટ્રના વતની હાલ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર સોપરાઈટ પેપરમિલમાં છેલ્લા ત્રણેક મહિનાથી મજૂરી કામ કરતા આદેશભાઈ જમાદાર રાયસીંગ પાવરા ઉવ.૨૫ ગઈ તા.૨૨/૦૪ના રોજ સોપરાઈટ પેપરમિલના કમ્પાઉન્ડમાં વેસ્ટપેપરની મજૂરી કામ કરી રહ્યા હોય તે દરમિયાન ડમ્પર રજી.નં. જીજે-૧૩-એડબલ્યુ-૩૫૨૯ ના ચાલકે પોતાનું વાહન બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી આવી આદેશભાઈને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો, ત્યારે આ અકસ્માતમાં આદેશભાઈને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા, તુરંત તેને સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા, જ્યાં ટૂંકી સારવારમાં આદેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે ડેડબોડીનું પીએમ સહિતની તબીબી કામગીરી પૂર્ણ કરી લાશની અંતિ ક્રિયા માટે મૃતકની પત્નીને સોંપવામાં આવી હતી, જ્યાંથી તેમના વતન આદેશભાઈની અંતિમ ક્રિયા પૂર્ણ કરી, મૃતકના પિતા જમાદાર રાયસીંગ પાવરા ઉવ.૬૭ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઉપરોક્ત ડમ્પરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.