વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર આવેલ રોસાટા સીરામીકમાં શેડના પતરા બદલતી વખતે પડી જવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા ૪૧ વર્ષીય મજૂરની ત્રણ મહિના સુધી અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું.
વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના ઘુંટુ રામનગરીમાં રહેતા ગણેશભાઈ સોમાભાઈ વાસફોડા ઉવ.૪૧ તા. ૩૦ મે ૨૦૨૫ના રોજ માટેલ ઢુંવા રોડ ઉપર રોસાટા સીરામીકમાં શેડના પતરા બદલવાનું કામ કરતા હતા, ત્યારે અકસ્માતે શેડ પરથી નીચે પડી જતા તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી પ્રથમ તેઓને રફાળેશ્વર નજીક ખાનગી હોસ્પિટલમાં સાત દિવસ સારવાર અપાઈ હતી. બાદમાં અમદાવાદમાં પણ ખાનગી હોસ્પિટલમાં વધુ સાત દિવસ સારવાર લીધી હતી. પરંતુ દર્દી કોમામાં જતા રહેતા તેમને પાછા મોરબીની આયુષ હોસ્પિટલમાં દોઢ મહિના સુધી દાખલ રાખવામાં આવ્યા હતા. ત્યાંથી રજા અપાયા બાદ તેઓ ઘરે પણ કોમામાં જ હતા. ત્યારે ગઈકાલ તા.૧૯/૦૯ના રોજ સવારના અચાનક આંચકી આવતા તેમને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં આઈ.સી.યુ.માં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે