મોરબી જિલ્લામાં આપઘાત અને અકાળે મોતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે ત્રણ લોકોના અકાળે મોત નિપજ્યા હોવાની પોલીસ ચોપડે નોંધ કરવામાં આવી છે. જેમાં વાંકાનેરના યુવકનો ઝેરી જાનવર કરાડી જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જયારે હળવદના પ્રેમી યુગલે નર્મદા કેનાલમાં જંપલાવી આપઘાત કરી લીધો છે.
પ્રથમ બનાવમાં, વાંકાનેરનાં રંગપર ગામે આરનીયા બાયોડોમ જાલીડા પાટીયા પાસે રહેતો મૂળ કુવોનુહાન તા.સંતોલા જી.બાલનગરનો યુવક વિક્રમ ગત તા.૨૪/૦૬/૨૦૨૩ નાં રોજ પોતાની આરનીયા ઓરડીમાં સુતો હતો. ત્યારે કોઇ ઝેરી જાનવર કરડી જતા ઝેરી અસર થતા તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, હળવદના મીયાણી ગામે રહેતા સીધ્ધીબેન નીતીનભાઇ કુરીયા તથા અજયભાઇ મનસુખભાઇ ઝીંઝુવાડીયા બન્ને વચ્ચે પ્રેમ સબંધ હોવાના કારણે કોઇ અગમ્ય કારણોસર બન્નેએ એક સાથે મીયાણી ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલનાં વહેતા પાણીમાં કુદી આપઘાત કરી લીધો હતો. જેને લઈ સ્થાનિકોએ બન્નેના મૃતદેહોને બહાર કાઢી હળવદ પોલીસને જાણ કરતા તેઓએ સ્થળ પર પહોંચી લાશનો કબ્જો મેળવી સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરી છે.