વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા જેસીબી લે-વેચના ધંધાર્થી પાસેથી યુપીના એક શખ્સે જેસીબી વેચાણના નામે રૂપિયા ૧૫ લાખ લઇ ન તો જેસીબી કે વેચાણના રૂપિયા પરત ન આપી ઠગાઈ કરી હતી. જ્યારે વચ્ચે રહેલ દલાલે પણ આપેલ ટોકન રકમ પણ પરત ન આપતા કુલ ૧૫.૨૧ લાખની ઠગાઈ તથા વિશ્વાસઘાત કર્યા અંગે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેરના પાંચદ્વારકા વિસ્તારમાં રહેતા અને જેસીબી લે-વેચનો વ્યવસાય કરતા ઝુલ્ફીકારઅલી ઉસ્માનભાઈ બાદીએ આરોપી યુપીના ગાજિયાબાદના ભુપેન્દ્ર ઓમપ્રકાશ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના ઓળખીતા બ્રોકર વિનોદખાનસિંગે વર્ષ ૨૦૨૪માં વ્હોટ્સએપ ઉપર જેસીબી રજી.નં. યુટી-૧૪-એનટી-૮૮૪૯ ના ફોટા તથા આરસી બુક સહિતના દસ્તાવેજ મોકલ્યા હતા. જે જેસીબીની કિ.રૂ.૧૫ લાખ નક્કી થતા, ફકરિયાદી ઝુલ્ફીકારઅલીએ વચ્ચેના બ્રોકરને ટોકન આપવાનું કહી દીધું એટલે બ્રોકર વિનોદસિંગે ટોકન તરીકે રૂ.૨૧,૦૦૦/- આપી દીધા હતા અને ત્યારબાદ લોન રકમ ભરવા માટે આરોપી ભુપેન્દ્રના ખાતામાં જેસીબીની મૂળ રકમ રૂ.૧૫ લાખ ટ્રાન્સફર કર્યા હતા. જેસીબીના વેચાણ માટેની સંપૂર્ણ રકમ જમા થયા બાદ પણ આરોપી ભુપેન્દ્રભાઈએ જેસીબી આપવાની ના કહી દીધી તથા પૈસા પણ પરત આપવાનો ઇનકાર કર્યો હતો. આથી હાલ ભોગ બનનારે કુલ રૂ.૧૫,૨૧,૦૦૦/-વિશ્વાસઘાત અને ઠગાઈ કર્યા અંગે વાંકાનેર સીટી પોલીસ મથકે પ્રથમ અરજી કર્યા બાદ હાલ આરોપી સામે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.









