પંજાબના ક્રોસ બોર્ડર હેરોઇન તથા ગ્રેનેડ-પિસ્ટલ સ્મગલીંગ કેસમાં વોન્ટેડ આરોપીને ગુજરાત એ.ટી.એસ. દ્વારા અમદાવાદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલા આ સંવેદનશીલ કેસમાં ATS ને મોટી સફળતા મળી છે.
ગુજરાત ATS દ્વારા દેશભરમાં ઓપરેટ કરતા નાર્કોટિક્સ નેટવર્ક પર સતત નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે પંજાબના અમૃતસર જિલ્લાના રાજાસાંસી પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નં. 26/2026માં વોન્ટેડ આરોપી રહેમતઅલી ઇલિયાસ મહમદ શેખ પંજાબમાંથી ફરાર થઈ નેપાળ ભાગ્યો હતો અને બાદમાં બિહાર મારફતે ગુજરાત આવી અમદાવાદના રખિયાલ વિસ્તારમાં છુપાયો છે. આ બાતમી ઉચ્ચ અધિકારીઓને મળતા પોલીસ અધિક્ષક કે. સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ ટીમ રચી તપાસ હાથ ધરાઈ હતી. હેડ કોન્સ્ટેબલ આરિફ ખાન, પોલીસ કોન્સ્ટેબલ અર્જુમ શેખ અને અમીન શેખ દ્વારા ઇનપુટની ખરાઈ કર્યા બાદ આરોપી રખિયાલ ખાતે એક એમ્બ્રોડરી કારખાનામાંથી ઝડપી લેવાયો છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું કે, આરોપી મોટા નાર્કોટિક્સ અને હથિયાર સ્મગલીંગ નેટવર્કનો ભાગ છે. જાન્યુઆરી માસ દરમિયાન પાકિસ્તાન બોર્ડર નજીકથી 42.9 કિલોગ્રામ હેરોઇન, ચાર હેન્ડ ગ્રેનેડ, એક સ્ટાર-માર્ક પિસ્તોલ અને 46 જીવંત કારતૂસ પંજાબમાં સપ્લાય કરવાના કન્સાઇનમેન્ટ સાથે તેનો સંબંધ હોવાનું સામે આવ્યું છે. આ મામલે રાજાસાંસી પોલીસ સ્ટેશન, અમૃતસર ખાતે NDPS એક્ટની કલમ 21 અને 25 તથા Explosive Substances Actની કલમ 3, 4 અને 5 હેઠળ ગુનો નોંધાયો હતો. અગાઉ બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે રહેમતઅલી શેખ ફરાર હતો. ગુજરાત ATS દ્વારા આરોપીની અટકાયત અંગે પંજાબ પોલીસને જાણ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી માટે તેને પંજાબ પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.









