મોરબીના મોટાભાગના રોડ રસ્તા ઉપર ખાડે ખાડા જોવા મળી રહ્યા છે. જો કે, તંત્ર દ્વારા ખાડા બુરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. તેમ છતાં મોરબીમાં ખાડાને લઈને જંગ છેડાયો છે. જેમાં મોરબીના બે ભાજપ નેતા સામને સામને આવ્યા છે. તો ગોપાલ ઇટાલિયાએ પણ કાંતિ અમૃતિયાની ચેલેન્જ સ્વીકારી લેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
મોરબીમાં રોડ રસ્તાઓ પર પડેલા ખાડાને લઈ મોરબીના બે ભાજપ નેતા વચ્ચે જંગ છેડાઈ છે. આટલું જ નહિ ગોપાલ ઇટાલિયાએ પણ કાંતિ અમૃતિયાની ચેલેન્જ સ્વીકારી લેતા હવે મામલો ગરમાયો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી કે, હું રાજીનામુ આપી દઉ અને ગોપાલ મોરબીમાં જીતે તો બે કરોડનું ઈનામ આપીશ. ત્યારે સામે ગોપાલ ઇટાલિયાએ આજ રોજ ચેલેન્જ સ્વીકારી કહ્યું છે કે, મર્દ હોય તો બે દિવસમાં રાજીનામું આપો મોરબીમાં જીતીને બતાવીશ. સાથે જ ચક્કાજામ આંદોલન શાંત કરાવવા આવેલ ભાજપ આગેવાન અને જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયાને કાંતિ અમૃતિયાએ મીડિયા સમક્ષ ટોણો માર્યો હતો અને ભાજપના અજય લોરિયાએ ખાડા બુરવા માટે પોતાનું રોડ રોલર આપતા કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે, “કોઈને દાતારી કરવાની જરૂર નથી સરકાર પાસે ઘણા રૂપિયા છે” જે મામલે હવે જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયાએ સાંજે ૫.૩૦ વાગ્યે પત્રકાર પરિષદ બોલાવી ગુમ થયેલ ૩૦ વર્ષ જૂના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને જવાબ આપવાની તૈયારી દર્શાવી છે. ત્યારે હવે ગોપાલ ઇટાલિયા, કાંતિ અમૃતિયા અને અજય લોરિયાનો ત્રિપાંખિયો જંગ શરૂ થઈ ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે.