પોલીસે કુલ ૨૮ NDPS કેસમાં જપ્ત કરેલો ૩૯૧.૬૨૫ કિલો અને ૮૯૮૬ લીટર માદક પદાર્થનો મુદ્દામાલ નાશ કરવામાં આવશે પૂર્વ કચ્છ (ગાંધીધામ), પશ્ચિમ કચ્છ (ભુજ) અને મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં જપ્ત કરેલા માદક પદાર્થોનો નાશ કરવામાં આવશે
રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણેય પોલીસ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે તા. ૨૪મી જુલાઈ ૨૦૨૫ના રોજ કચ્છની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપની ખાતે નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવાની કાર્યવાહીમાં ઉપસ્થિત રહેશે.
પૂર્વ કચ્છ (ગાંધીધામ), પશ્ચિમ કચ્છ (ભુજ) અને મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા માદક પદાર્થોનો આવતી કાલે નાશ કરવામાં આવશે. નામદાર કોર્ટમાંથી મુદ્દામાલના નાશ માટે મંજૂરી મેળવ્યા બાદ, રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણેય પોલીસ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ કાર્યવાહીમાં પૂર્વ કચ્છના ૧૧, પશ્ચિમ કચ્છના ૧૬ અને મોરબી જિલ્લાનો ૧ કેસ મળી કુલ ૨૮ કેસનો મુદ્દામાલ નાશ કરવામાં આવશે.
જેમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલુ ૮૨.૬૧૬ કિલોગ્રામ કોકેઈન, જેની અંદાજિત કિંમત રૂપિયા ૮,૨૬,૧૬,૦૦,૦૦૦/- (આઠસો છવીસ કરોડ સોળ લાખ) છે. માંડવી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલુ ૧૦૫.૪૨૮ કિલોગ્રામ ચરસ (હશીશ), જેની અંદાજિત કિંમત રૂપિયા ૪૪,૫૭,૫૦,૦૦૦/- (ચુંમાલીસ કરોડ સત્તાવન લાખ પચાસ હજાર) છે.મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી ૮૯૮૬.૨ લીટર કોડીનયુક્ત સિરપ (બોટલ નંગ ૮૯૮૬૨), જેની અંદાજિત કિંમત રૂપિયા ૧,૮૪,૬૪,૮૪૩/- (એક કરોડ ચોર્યાસી લાખ ચોસઠ હજાર આઠસો ત્રેતાળીસ) છે.અન્ય માદક પદાર્થોનો પણ નાશ કરાશે.
ઉપરોક્ત કેસો ઉપરાંત, પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા અન્ય ૨૫ કેસોમાં જપ્ત કરાયેલા ગાંજો, કોકેઈન, ચરસ, મેફેડ્રોન, પોષડોડા વગેરે સહિત પશ્ચિમ કચ્છનો કુલ ૧૨૯.૩૬૮ કિલોગ્રામ અને પૂર્વ કચ્છ ગાંધીધામનો ૭૪.૨૧૩ કિલોગ્રામ માદક પદાર્થ પણ નાશ કરવામાં આવશે.આમ, ત્રણેય પોલીસ જિલ્લાનો મળીને કુલ ૩૯૧.૬૨૫ કિલોગ્રામ અને ૮૯૮૬.૨ લીટર માદક પદાર્થનો નાશ કરવામાં આવશે.
આ કાર્યવાહી રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અને કમિટીના સભ્યોની હાજરીમાં, તેમજ ત્રણેય પોલીસ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષશ્રીની હાજરીમાં મે. સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. ખાતે કંપનીના ઇન્સિનેરેશન પ્લાન્ટ (ભઠ્ઠી) માં વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવશે.