મોરબી મહાનગરપાલિકાએ ચોમાસા પૂર્વે જાહેર માર્ગો અને ફૂટપાથ પરથી બાંધકામ સામગ્રી તાત્કાલિક દૂર કરવા નોટીસ જાહેર કરી છે. પાંચ દિવસની અંદર સામગ્રી ન હટાવનાર સામે દંડ અને કાયદેસર પગલાં ભરાશે.
મોરબી શહેરમાં નાગરિકોની સુવિધા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલ, ટ્રાફિક વ્યવસ્થામાં વિઘ્ન ન ઊભું થાય અને આરોગ્ય-સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી મહાનગરપાલિકાએ શહેરના તમામ નાગરિકો માટે અગત્યની જાહેર નોટીસ બહાર પાડી છે. જેમાં જણાવ્યા મુજબ, શહેરની જાહેર જગ્યાઓ, ફૂટપાથો, નાળાઓ કે રસ્તાઓ પર રેતી, ઈંટ, સિમેન્ટ, કપચી, ખાલી બોરીઓ જેવી બાંધકામ સામગ્રી મૂકવી કાયદેસર ગુનો ગણાશે. નોટીસ મળ્યાની તારીખથી પાંચ દિવસની અંદર આ સામગ્રી હટાવવી ફરજિયાત રહેશે. જો આ અવધિ બાદ પણ સામગ્રી જાહેર સ્થળો પર જોવા મળશે, તો મ્યુનિસિપલ કર્મચારીઓ દ્વારા તે સામગ્રી નોટીસ વિના જ હટાવી દેવામાં આવશે. સાથે સાથે, આવા કેસોમાં સંબંધિત વ્યક્તિ અથવા માલિક સામે દંડ ફટકારવામાં આવશે તેમજ ગંભીર નુકસાન કે જાનહાનિના કિસ્સામાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.