મોરબી જિલ્લામાં ગત ત્રણ-4 દિવસ સતત ભારે વરસાદ પડ્યો હતો. જેથી ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ ઉભી થઈ હતી. જેના કારણે માળિયા મિયાણા તાલુકાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનો આશરો છીનવાયો હતો. અને અનેક લોકો બેઘર બન્યા હતા. ત્યારે આજે વરસાદે વિરામ લેતાની સાથે જ તંત્ર દ્વારા પાણી નિકાલ અને સાફ સફાઈની તાબડતોબ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પ્રભારીમંત્રી પ્રફુલ પાનસેરિયા અને ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેમજ જિલ્લા કલેકટર કે.બી ઝવેરીના માર્ગદર્શન હેઠળ માળિયા મિયાણામાં પાણી નિકાલ અને સાફ સફાઈની તાબડતોબ કામગીરી શરૂ કરવામાં આવી છે. માળિયા નગરપાલિકા ચીફ ઓફિસર અને આગેવાનો દ્વારા કામગીરી શરૂ કરાઇ છે. અને માળિયા શહેરમાં ઘરમાં ભરાયેલ પાણી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.