એક માસથી ચાલુ સમસ્યા છતાં તંત્ર મુક-બધીર, નાગરિકો મુશ્કેલીમાં, ઉગ્ર આંદોલનની ચીમકી.
મોરબીના દલવાડી સર્કલ નજીક સિદ્ધનાથ મહાદેવ મંદિર સામે પીવાના પાણીની મેઈન લાઇન છેલ્લા એક માસથી લીક થઈ રહી છે. રોજના હજારો લીટર પાણી બેફામ વેડફાઈ રહ્યું છે છતાં તંત્ર આંખ આડા કાન કરે છે. સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલા લેવાયા નથી. પાણીના તલાવડા જેવી સ્થિતિ સર્જાતા શાળા, આંગણવાડી અને મંદિરે આવતા લોકો અકસ્માતની ભીતિમાં છે. જો તંત્ર સમયસર ઉકેલ નહીં લાવે તો સ્થાનિકોએ આંદોલનનો ઈશારો આપ્યો છે.
મોરબી શહેરમાં મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતા કામોમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ભૂગર્ભ ગટર, રોડ-રસ્તા અને ભૂગર્ભ કુંડીના ઢાંકણોની હાલાકી બાદ હવે પીવાના પાણીની લાઇન લીક થવાથી નાગરિકોને ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. દલવાડી સર્કલ નજીક સિદ્ધનાથ મહાદેવ મંદિર સામે આવેલી મેઈન લાઇનમાંથી છેલ્લા એક માસથી સતત પાણી લીક થઈ રહ્યું છે. આ લાઇનમાંથી ઉમા રેસિડન્સી-૨, તુલસી, ધર્મધરતી, સરદાર-૩, કપૂરની વાડી, મસાલની વાડી, આંબાવાડી શાળા અને વૃંદાવન ગોકુલ મથુરા સોસાયટીઓમાં પાણી સપ્લાય થાય છે. મેઈન લાઇન લીક થતાં રોજના હજારો લીટર પાણી વ્યર્થ વહી જાય છે.
સ્થાનિકોએ મહાપાલિકાને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં જવાબદાર વિભાગ માત્ર “આજે આવીશું, કાલે આવીશું” કહી ટાળી રહ્યો છે. પરિણામે સ્થળ પર પાણીના તલાવડા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. મંદિર, આંગણવાડી અને શાળા વિસ્તારમાં રોજ નાના બાળકો તથા વડીલ વર્ગ સહિતના લોકોની સતત અવરજવર રહે છે, જેના કારણે અકસ્માતની ભીતિ વધતી જાય છે. આ સાથે સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર તાત્કાલિક ધોરણે પાણી લીકેજની સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી મહાપાલિકાની રહેશે.