Sunday, November 24, 2024
HomeGujaratટંકારા સાથે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શું હતો નાતો?? જાણો વિગતવાર...

ટંકારા સાથે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શું હતો નાતો?? જાણો વિગતવાર…

કેશુબાપા ટંકારાથી ચૂંટણી લડી મુખ્યમંત્રી પદે પહોંચ્યા હતા : ટંકારા સાથે બાપાની અનેક યાદો જોડાયેલી છે
મોરબીમાં મચ્છુ જળ હોનારત વખતે કેશુભાઈ પટેલે મોરબીમાં મુકામ કરી મોરબીવાસીઓને ટેકો આપી અમૂલ્ય ફાળો આપ્યો હતો

- Advertisement -
- Advertisement -

તાજેતરમાં જ કોરોનાની માંદગીમાંથી સાજા થયેલા પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલનું આજે અવસાન થયેલ છે. આજે સવારે અચાનક તેમના ધબકારા ઘટી જતાં તેમને અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયેલ હતા. જયાં 11-45 વાગ્યા આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ અહેવાલ મળતા સમગ્ર રાજયમાં તેમજ ખાસ કરીને ટંકારા પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ખેડુતના મસીહા સ્વ. વલ્લભભાઈ પટેલના મુત્યુ પછી ટંકારા બેઠક પરથી કેશુભાઈ ચુંટણી લડ્યા અને મુખ્યમંત્રી બન્યા હતા.

ગુજરાત રાજ્યના ભુતપૂર્વ મુખ્યમંત્રી તરીકે સુપેરે ફરજ બજાવી ચૂકેલા કેશુભાઈ પટેલની કર્મભૂમિ મોરબી જિલ્લાનું ટંકારા પંથક છે. ટંકારાની બેઠક પરથી ચુંટાયેલા કેશુભાઈ પટેલનું નિધન તથા ટંકારામાં લોકો પોતિકા માણસને ગુમાવ્યાનો શોક અનુભવી રહ્યા છે. તેમજ ટંકારા સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા વાધજી બોડા, સ્વ. નગરશેઠ વાડીલાલ ગાંધી પરિવાર, પાટીદાર અગ્રણીઓ, દિપકભાઇ રાજપરા, અમુભાઈ સોની સહિતના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.

પ્રજાના પ્રશ્નોને વાચા આપી નિવારણ લાવવા માટે કાર્યરત, પાટીદાર સમાજના અગ્રણી, ખેડુતોના ખરા નેતા અને તાત સમાન, દીર્ઘદ્રષ્ટા, ભાજપની ઇમારતના પાયાના પથ્થર સમાન, સિંચાઇ ડેમોના નવનિર્માણ કરી નહેર વાટે ખેતરો સુધી પાણી પહોંચતું કરનાર, સર્વ સમાજના લોકપ્રિય નેતા સહિતની અનેક ઉપમાઓ સ્વ. કેશુભાઈ પટેલે મેળવી હતી.

ટંકારા સાથે કેશુબાપાનો નાતો પારિવારીક કહી શકાય. કારણ કે કેશુભાઈ પટેલ ટંકારાને કર્મભૂમિ માની અહીંથી ચુંટણી લડી મુખ્યમંત્રી બન્યા હતા. રાજ્ય સભાના સદસ્ય સ્વ. ચિમનભાઈ શુક્લએ ભારતીય જનસંઘની સંપૂર્ણ જવાબદારી કેશુભાઈ પટેલને ખંભે રાખી હતી. આ જવાબદારીને કેશુભાઈએ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. કેશુભાઈએ ખેડુતો, ગ્રામીણો અને સર્વે સમુદાયની સુવિધા માટે તનતોડ મહેનત કરી ભાજપ પક્ષમા પાયાનો પથ્થર બની ભાજપની આલીશાન ઈમારત ઉભી કરી છે.

કેશુભાઈ સવારે બસમાં બેસી ટંકારા આવે અને હકુભાઈ બ્રાહ્મણની સાઈકલ પર સવાર થઈને ગામડા ખૂંદી વળે. આ રીતે તેમણે પક્ષની વિચારધારાને જન-જન સુધી પહોંચતી કરી હતી. તેમનો રાત્રીના અમુભાઈ સોનીના ઘરે ઉતારો હોય અને કાચી સોપારી-મુખવાસ ને કપુરી પાન ગલોફે ચડાવી કાર્યકર્તાઓ સાથે દીનચર્યા વાગોળતાં હોય, તેવી તેમને આદત હતી.

ખેડુતોના ખેતર સુધી પાણી પહોંચતું કરી સિંચાઈ ડેમના સ્વપ્નને તેને સાકાર કર્યુ હતું. તેમજ ટંકારાનો સારણ ડેમ પણ કેશુભાઈની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો અને ઉદ્ધાટન પ્રસંગે તેઓ હાજર રહ્યા હતા. તેઓ ખુદ સર્વે કરી પછી એન્જીનીયર પાસે એસ્ટિમેટ કરાવતા હતા. જે તેમની ચોકક્કસાઈપૂર્વક કામ કરવાની સાબિતી છે.

તદ્ઉપરાંત, ખેડુતોના ટ્રેક્ટરને હાઈવે પર બેરોકટોક હેરાફેરી કરવા માટેની માન્યતા આપી હતી. એવું બની શકે કે આજના જુવાનીયાઓને જાણકારી પણ નહીં હોય કે જકાત તેમણે નાબુદ કરી હતી. તો ગુજરાતમાં ગમે ત્યા ખાતેદાર જમીન લઇ શકે તેવો નિર્ણય અને ૩૨(ક) જેવા સુધારા ખેડુતોના હિતમા લેવાયા જે કેશુભાઈની દેન હતી. કેશુભાઈએ કુદરતી આફત મોરબી જળ હોનારત અને ભુકંપ વખતે સરકારી સહાય કરી હતી, જે અનુમોદનીય છે.

કેશુભાઈ પ્રજાના પ્રશ્ને દૂરંદેશી હતા. સૌરાષ્ટ્રની સમસ્યાને લઈને છપાયેલા સમાચાર કટીંગ કરી અવારનવાર મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર ખાતે ટપાલ વાટે મોકલતા અને એ ટપાલ કેશુબાપા અચુક વાચી સમાચારના તથ્યો જાણી તેનું સમાધાન કરી પત્યુતરરૂપે વાચકને કરેલ કાર્યવાહીનો જવાબ સુધ્ધા પાઠવતા હતા. જે આજના અખબારી આલમ માટે પણ ગર્વની વાત છે.

સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા એવા વાધજી બોડા એ કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે ખેડુતોએ ખરો નેતા આજે ગુમાવ્યો છે. કેશુભાઈએ જે કઈંપણ ખેડૂતોને હિત માટે કરેલું તે ક્યારેય નહિ ભુલાય તેમજ ખેડૂતોને ક્યારેય ન પુરાઈ એવી ખોટ પડી છે. તો ટંકારાના નગરશેઠ સ્વ. વાડીલાલ ગાંધી પરીવારે શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ટંકારા વિજય સરઘસ વખતે બગી ઉપરથી ઉતરી રાજ્યનો મુખ્ય મંત્રી નગર શેઠને સમાજના કોઈપણ કામ માટે ધ્યાન દોરવા ભલામણ કરે, જે ચુંટાઈ ગયા પછી સાંભળવું અદ્ભુત છે. આ ઉપરાંત, ટંકારાના જુના સાથી મિત્રો અમુભાઈ સોની પરીવાર, દિપકભાઇ રાજપરા, જગુભાઇ કુબાવત સહીતના પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓએ સ્વજન ગુમાવ્યાની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં સન 1979માં મચ્છુ હોનારત આવી હતી. તે વખતે સ્વ. કેશુભાઈ પટેલ કૃષિમંત્રી હતા. ત્યારે જળ હોનારતના દિવસે તેઓ મોરબી નજીકથી પસાર થયા હતા. બીજે દિવસે હોનારત અંગેની રજેરજની માહિતી મેળવતા ગયા હતા. ત્યારબાદ થોડા દિવસો પછી મોરબી ખાતે મુકામ કરી હોનારતથી થયેલ નુકસાન માટે શક્ય હોય તેટલી તમામ સહાય કરી હતી. આથી, ચોક્કસપણે કહી શકાય કે કેશુબાપા મોરબીવાસીઓના હૃદયમાં સદા જીવંત રહેશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!