શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. જોકે, આ વખતે રક્ષાબંધનના તહેવારની ઉજવણી ૩૦ ઓગસ્ટે કરવી કે ૩૧ ઓગસ્ટના તેને લઇને મતમતાંતર સર્જાયા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધન માત્રને માત્ર રાખડી બાંધવાનું જ તહેવારો નથી. પરંતુ બ્રાહ્મણો માટે પણ મોટામાં મોટો તહેવાર આપણા શાસ્ત્ર મુજબ કહ્યો છે. શ્રાવણી ઉપાકર્મ યજ્ઞોપવિત બદલવી એટલે કે જનોઈ બદલવી અને આવા સમયે મહત્વની ગળમથલ ત્યારે થાય જ્યારે શુભ મુહૂર્તો ગોતવાની તાલાવેલી લાગે. આ વખતે ઘણા પ્રશ્નો ચાલી રહ્યા છે કે રક્ષાબંધન ૩૦/૮/૨૦૨૩ બુધવારે કરવું કે ૩૧/૮/૨૦૨૩ ગુરુવાર કરવું. જેને લઈ મોરબીના એક માત્ર કાશીના વિદ્વાન આચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યા (ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી) દ્વારા સમાધાન જણાવવામાં આવ્યું છે.
મોરબીના એક માત્ર કાશીના વિદ્વાન આચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યા (ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી) દ્વારા સચોટ અને શાસ્ત્ર મુજબ જનોઈ ક્યારે બદલાવવી અને રાખડી ક્યારે બાંધવી તે અંગે તે અંગે જણાવતા કહ્યું હતું કે, આ વખતે શ્રાવણ સુદ ૧૩ ને મંગળવાર ના તા.૨૯/૮/૨૩ ના રોજ શ્રવણ નક્ષત્ર આવે છે. જે સૂર્યોદયથી રાત્રે ૧૧:૫૦ સુધી છે. બીજે દિવસે શ્રાવણ સુદ ચૌદશના બુધવાર તા.૩૦/૮/૨૩ ના રોજ ચૌદશ તિથિ સવારે ૧૦:૫૯ સુધી છે. પૂર્ણિમા તિથિ સવારે બેસી જાય છે. હવે શ્રવણ નક્ષત્ર ન મળે તો શ્રાવણી કરવી યોગ્ય છે??? જનોઈ બદલવા માટે ઊપાકર્મ કરવા માટે નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુ પ્રમાણ આપે છે. જનોઈ બદલાવવા માટે શ્રવણ નક્ષત્ર જો પૂર્ણીમાં તિથિમાં મળે તો શ્રેષ્ઠ પરંતુ જો પૂર્ણિમા તિથિમાં મધ્યાનકાલમાં શ્રવણ નક્ષત્ર ન હોય તો પૂર્ણિમા તિથિનો મધ્યાનકાલીન સમય શ્રાવણ સુદ ચૌદશના બુધવાર તા.૩૦/૮/૨૩ ના રોજ ચૌદશ તિથિ સવારે ૧૦:૫૯ સુધી છે. જેથી ત્યારબાદ પૂર્ણિમા તિથિ સવારે બેસી જાય છે. જેથી મધ્યાન સંધ્યા થયા બાદ જનોઈ બદલાવવા માટે ૧૦:૫૯ પછીજ શ્રેષ્ઠ મુહૂર્ત છે. નિર્ણય સિંધુ ના મત મુજબ શ્રવણ નક્ષત્રને ગૌણ કરવું સાથે પૂર્ણિમા તિથિ મહત્વની હોવાથી પૂર્ણિમા તિથિમાં જ યજ્ઞોપવિત જનોઈ બદલવી ઉપાકર્મ કરવું. આતો જનોઈ બદલાવાની વાત થઈ હવે ખાસ વાત અહીંયા એવી રહે છે કે રાખડી ક્યારે બાંધવી. ભદ્રાકાલમાં રક્ષાબંધન ન કરવું ભદ્રાકાલમાં રાખડી ન બાંધવી આવું એક વચન છેલ્લા પાંચેક વર્ષ થયા સાંભળીએ છીએ પરંતુ બ્રાહ્મણો માટેનું બ્રહ્મસૂત્ર એ ઘણું અગત્યનું છે. એવી જ રીતે રક્ષા સુત્ર પણ અતિ મહત્વનું છે હવે ઘણા મત મતાંતરો એવા છે કે રાત્રે રક્ષાબંધન કરવી જે એકદમ શાસ્ત્ર વિરુદ્ધ છે. રાત્રિના સમયે ક્યારેય પણ રક્ષા કરાતી જ નથી રક્ષાબંધન થતું જ નથી. તા.૩૦/૮/૨૩ બુધવાર ના રોજ સવારે ૧૦:૫૯ પછી પૂર્ણિમા હોવાથી બુધવારના જ રક્ષાબંધન રાખડી બાંધી શકાય છે.