હળવદ માળિયા હાઈવે પર આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જે બાદ હળવદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ ફાયર ટીમની ઉદાસીનતા સામે આવી હતી.
મળતી માહિતી અનુસાર, હળવદ માળિયા હાઈવે પર એક કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. રોહિશાળા પાસે અચાનક કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ આગના કારણે માળિયા હાઈવે જામ થયો હતો. જો કે, કારમાં આગ ક્યાં કારણોસર લાગી એ હજુ જાણી શકાયું નથી. આ કાર કોની છે તે વિગતો સામે આવી નથી.અહીં મહત્વની વાત તો એ છે કે, બનાવ બન્યાના ઘણા સમય બાદ પણ હળવદ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ન હતી. જેના કારણે સમય જતાં આગ જાતે જ ઓછી થઈ ગઈ અને આખી કાર ભસ્મીભુત થઈ હતી. ત્યારે અહીં સવાલએ ઉભો થાય છે કે, શું બનાવ અંગે હળવદ ફાયર વિભાગને જાણ ન હતી ? અને જો જાણ હતી તો તેઓ દ્વારા શા કારણે કોઈ કાર્યવાહી ન કરાઈ ? તેમજ જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો પણ હળવદ ફાયર વિભાગ આવી જ બેદરકારી દેખાડી લોકોનાં જીવ જોખમે મુકશે ? જેવા અનેક સવાલો અહીં લોકોમાં ઉદભવી રહ્યા છે.જોકે હાઇવે ઓથોરિટી એમ્બ્યુલન્સ સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી પરંતુ ફાયર ની ટીમ હજુ પણ નથી પહોંચી.