મોરબી પંથકનો પીપળી-આણીયારી રોડ જાણે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ અવારનવાર નાનામોટા અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે આથી પીપળી-આણીયારી રોડને તાત્કાલીક રીપેર કરવામાં આવે તેવી માંગ સાથે મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.
રજુઆતમા જણાવ્યા અનુસાર પીપળી-જેતપર રોડ પર આશરે ૪૦૦ જેટલી ફેકટરીઓ આવેલી હોવાથી રોડ પર સતત વાહનોની અવરજવર ચાલુ રહે છે. આ રોડ પર ૭ જેટલા ગામો અને ઉદ્યોગોને લીધે અંદાજે દરરોજ ૫૦ હજાર જેટલા લોકોની અવર – જવર રહે છે. જેથી રોડની હાલત એકદમ બિસમાર બની છે અને રોડ મોરબી જીલ્લાનો સૌથી ખરાબમાં ખરાબ રોડ છે. છેલ્લા ઘણા સમયથી ખખડધજ હાલતમાં છે , અને ઠેર-ઠેર ખાડા ખબડાને કારણે દરરોજ અકસ્માતના બનાવો બને છે. એક અંદાજ મુજબ એક મહિનામાં લગભગ ૨૦ થી વધુ અકસ્માતના નાના મોટા બનાવો બને છે. અને ૨૧ કી.મી.ના રસ્તાને કામના ઓછામાં ઓછી દોઢ કલાક જેવો સમય થાય છે. આનાથી માનવ કલાક અને પેટ્રોલ-ડિઝલનો પણ ભંયકર વેડફાટ થાય છે આથી વહેલામાં વહેલી તકે આ રોડની રીપેરીંગ કરાવવામાં આવે તેવી અંતમાં અજયભાઈ લોરીયા દ્વારા રજુઆત કરાઈ છે.