મોરબી તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે પીપળી ગામે શિવપાર્ક સોસાયટી-૨ માં રહેણાંક મકાનમાં રેઇડ કરી એક મહિલાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૪૪ બોટલ સાથે ઝડપી લેવામાં આવી છે, આ સાથે તાલુકા પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી મહિલા આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમને સયુક્તમાં બાતમી મળી કે પીપળી ગામની સીમમાં આવેલ શિવપાર્ક સોસાયટી-૨ માં ભાડે મકાનમાં રહેતા ભારતીબેન ગોહિલ પોતાના હવાલા વાળા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે મુજબની મળેલ બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે ઉપરોક્ત રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી, ત્યારે રેઇડ દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૪૪ નંગ બોટલ કિ.રૂ. ૪૯,૪૦૦/- મળી આવી હતી, આ સાથે તાલુકા પોલીસે મહિલા આરોપી ભારતીબેન અમિતભાઇ ગોહિલ ઉવ.૩૧ હાલ રહે. શિવપાર્ક સોસાયટી-૨ ભાડેના મકાનમાં મૂળ રહે. ટંકારા તાલુકાના લતીપર ગામ વાળાની સ્થળ ઉપરથી અટક કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.