મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી મહિલા વિદેશી દારૂનું વેચાણ કરે છે જે મુજબની પૂર્વ બાતમીને આધારે મોરબી એ ડિવિઝન પોલીસે આવાસ યોજનાના રહેણાંક મકાનમાં રેઇડ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૯૫ બોટલ સાથે મહિલાને ઝડપી લેવામાં આવી છે જયારે મહિલા આરોપીની સઘન પૂછતાછમાં દારૂનો જથ્થો વેચાણ કરવા આપી ગયેલ કાલિકા પ્લોટ વિસ્તારના અન્ય આરોપીનું નામ ખુલવા પામતા તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ નજીક આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના બ્લોક નં.૫ ક્વાર્ટર નં.૧૦ના રહેણાંકમાં રેઇડ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૯૫ નંગ બોટલ સાથે મહિલા આરોપી સંગીતાબેન જીજ્ઞેશગીરી ગૌસ્વામી ઉવ.૩૧ને ઝડપી લેવામાં આવી છે. દરોડા દરમિયાન પકડાયેલ મહિલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો કાલિકા પ્લોટ સાઈન્ટીફીક મેઈન રોડ ઉપર રહેતા આરોપી જુનૈદભાઈ તૈયબભાઈ ચાનીયા વેચાણ કરવા અર્થે આપી ગયાની કબૂલાત આપતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.