અકસ્માત સર્જી કાર-ચાલક વાહન રેઢું મૂકીને નાસી ગયો.
માળીયા(મી) તાલુકાના ચાચાવદરડા ગામ નજીક હાઇવે રોડ ઉપર રોંગ સાઈડમાં પુરપાટ ગતિએ આવતી મોટર કારે સીએનજી રીક્ષાને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં સીએનજી રીક્ષા ચાલક સહિતના પાંચ ઘાયલ થયા હતા જ્યારે એક મહિલા મુસાફરનું માથામાં ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકની ફરિયાદને આધારે પોલીસે કાર ચાલક આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
અકસ્માતના બનાવ મામલે પ્રાપ્ત વિગતો મુજબ માળીયા(મી)માં વાડા વિસ્તારમાં રહેતા ઇરાફનભાઈ ગફુરભાઈ માલાણી ઉવ.૨૧ ગઈ તા. ૩૧/૧૨ના રોજ પોતાની સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૦૧-ટીએફ-૨૯૨૮માં પેસેન્જર ભરીને જતા હોય ત્યારે ચાચાવદરડા ગામની સામે રોડ ઉપર રોંગ સાઈડમાં પુરગતિએ ચલાવીને આવતા આઈ-૨૦ કાર રજી.નં. જીજે-૧૦-ડીએન-૦૫૨૭ના ચાલકે રીક્ષા સાથે કાર અથડાવી અકસ્માત કર્યો હતો, ત્યારે કારની જોરદાર ટકકરે રીક્ષા ચાલકને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ થઈ હતી જ્યારે રીક્ષામાં બેઠેલા પેસેન્જરો પૈકી ભાવનાબેન નામની મહિલાને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર મહિલા મુસાફરને માથામાં તથા શરીરે નાના-મોટી ઇજાઓ પહોંચી હતી, રોંગ સાઈડમાં કાર ચલાવી અકસ્માત સર્જનાર કાર ચાલક ઘટના બાદ પોતાની કાર અકસ્માત સ્થળે રેઢી મૂકીને નાસી ગયો હતો, હાલ માળીયા(મી) પોલીસે રીક્ષા ચાલકની ફરિયાદના આધારે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.