રમત-ગમત, સરકારી નોકરી કે પત્રકારત્વ તમામ ક્ષેત્રે મહિલાઓએ આજે કાંઠુ કાઢ્યું
દર વર્ષે ૮મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. મહિલાઓ આત્મનિર્ભર બની દરેક ક્ષેત્રે નામના મેળવે તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે રમત-ગમત હોય કે સરકારી નોકરી કે પત્રકારત્વ દરેક ક્ષેત્રે મહિલાઓએ કાંઠુ કાઢ્યું છે. તાજેતરમાં જ મોરબી ખાતે યોજાયેલા કિશોરી મેળામાં મોરબી માહિતી કચેરી ખાતે ફેલો તરીકે કાર્યરત માનસી નળિયાપરાનું કિશોરીઓ અને મહિલાઓ માટે એક આદર્શ તરીકે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આજે કોઈ છોકરી અભ્યાસમાં મુખ્યત્વે એવા અભ્યાસક્રમ પસંદે કરે જેમાં ગામની કે ઘરની આસપાસ જ નોકરી મળી રહે પરંતુ માનસી નળિયાપરાએ એક અલગ જ રસ્તો પસંદ કર્યો. તેમણે બી.કોમનો અભ્યાસ પુર્ણ કરી પત્રકારત્વના અભ્યાસ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં પીજીડીએમસીમાં એડમીશન લીધું અને આગળ વધતા તેમણે માસ્ટર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન(MJMC) પણ ત્યાં જ કર્યુ. MJMCમાં યુનિવર્સિટી ક્ષેત્રે દ્વિતીય ક્રમ મેળવીને તેમણે આગવી સિદ્ધી મેળવી છે. ત્યારબાદ રાજ્ય સરકારની ફેલોશિપ યોજનાનો લાભ મેળવી હાલ તેઓ મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે ફેલો તરીકે ફરજ બજાવી રહ્યા છે.
ફેલોશિપ એ સરકારનો ખુબ જ ઉમદા અભિગમ છે. જેમાં ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાંથી MJMCમાં ટોપ ટેનમાં આવેલા વિદ્યાર્થીઓની યાદી મંગાવવામાં આવે છે. જેમાંથી મેરિટ મુજબ ૨૦ વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને જિલ્લાઓમાં માહિતી કચેરીઓ ખાતે સંપાદન વિભાગમાં એક વર્ષ માટે સરકારશ્રીની યોજનાઓના પ્રસાર પ્રચારની કામગીરી આપવામાં આવે છે. આ કામગીરી માટે તેમને મહિનાનું ૨૦ હજારનું મહેનતાણું પણ ચુકવવામાં આવે છે.આ ફેલોશીપ યોજના હેઠળ માનસી નળિયાપરા એક વર્ષ માટે મોરબી માહિતી કચરી ખાતે કાર્યરત છે અને ખુબ ઉત્સાહથી સરકારની યોજનાઓના પ્રસાર-પ્રચારની કામગીરી કરી રહ્યા છે.