મોરબી માર્કેટિંગ યાર્ડમાં આવેલી શાક માર્કેટમાંથી થતો શાકભાજી અને ફળફળાદીનો કચરો યોગ્ય રીતે દૂર ન થતાં આસપાસની સોસાયટીઓમાં રહેનારા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અત્યંત દુર્ગંધ અને મચ્છરના ઉપદ્રવથી ત્રાસી ગયેલ મહિલાઓએ યાર્ડ ખાતે પહોંચીને હલ્લાબોલ કરી આ અંગે તાત્કાલિક નિરાકરણની માંગ ઉઠાવી હતી.
મોરબી શહેરમાં આવેલા શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડના શાક માર્કેટ વિભાગમાંથી દરરોજ ભારે પ્રમાણમાં શાકભાજી તથા ફળફળાદીનો બગડેલ કચરો ઊભો થાય છે. અને આ બધો કચરો માર્કેટિંગ યાર્ડની પાછળની દીવાલ પાસે એકઠો કરવામાં આવતો હોય છે ત્યારે સ્થિતિ એટલી વિકટ બની છે કે યાર્ડની પાછળના ભાગે આવતી સુભાષનગર સોસાયટી, લક્ષ્મી નારાયણ સોસાયટી, અને નરસંગ ટેકરી મંદિર પાછળના રહેણાંક વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. સ્થાનિક રહેવાસીઓ, ખાસ કરીને મહિલાઓ, ત્રાહીમામ હાલતમાં આવી ગયા છે. દુર્ગંધ તો છે જ, સાથે મચ્છરોએ હાહાકાર મચાવ્યો છે અને ઘરની અંદર રહી શકાય તેમ નથી. લોકોને ગંભીર બીમારીઓ ફેલાવાનો ભય સતત સતાવતો રહે છે.
આ તમામ સમસ્યાને લઈને તા.૧૪ જુલાઇના રોજ સ્થાનિક મહિલાઓએ એકજૂથ થઈને માર્કેટિંગ યાર્ડ ખાતે ધસી જઈ સત્તાવાળાઓ સામે હલ્લાબોલ કર્યો અને તાત્કાલિક કાર્યવાહીની માંગ ઉઠાવી હતી. મહિલાઓએ સાફ શબ્દોમાં જણાવી દીધું કે જો તંત્ર સમયસર પગલાં નહીં લે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. ત્યારે માર્કેટિંગ યાર્ડના હાજર અધિકારીઓએ જણાવ્યું કે, “અમે કચરો ટ્રેક્ટરમાં ભરી તૈયાર રાખીએ છીએ, પણ મહાનગરપાલિકા દ્વારા સમયસર ડમ્પિંગ માટે વાહન નહીં આવે એટલે કચરો યાર્ડમાં જ રહતો હોય છે.” હાલ માર્કેટિંગ યાર્ડ અને મહાનગરપાલિજકા વચ્ચે સંકલનના અભાવે સામાન્ય જનતાને તકલીફ સહન કરવી પડી રહી છે. હવે આગામી સમયમાં જોવાનું એ છે કે મોરબી મહાનગરપાલિકા આ પ્રશ્ને કેટલી ગંભીરતા દાખવે છે.