મોરબી જિલ્લામાં ચોરી કરતી મહિલાઓની ગેંગ સક્રિય થઈ ગઈ છે. વાંકાનેરમાં સોનીની દુકાનમાં નજર ચૂકવીને દાગીનાની ચોરી કરતી મહિલાઓ સક્રિય થઈ ગઈ છે. આ ગેંગે વાંકનેરની મેઈન બજારમાં આવેલ જવેલર્સની દુકાનને નિશાનો બનાવ્યો હતો. અને બે સોની વેપારીઓને ત્યાંથી આ મહિલાઓની ગેંગે લાખોની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ત્યારે ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓ ખરીદીના નામે સોનાના દાગીનાની ચોરી કરી જતાં જવેલર્સે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં પ્લેહાઉસ પાસે આવેલ દરબારગઢ ખાતે રહેતા તથા વાંકાનેર મેઇન બજારમા મોચી શેરીની સામે બાલાજતી જવેલર્સ નામથી સોનીકામ માટેની દુકાન ધરાવતા યોગેશભાઇ રસિકભાઈ બારભાયા દ્વારા ગઈકાલે અજાણી મહિલાઓની એક ગેંગ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગત તા.૨૬/૧૨/૨૦૨૩ ના રોજ બપોરના સમયે તેમની દુકાને આવેલ ચારેક છોકરીઓ દ્વારા સોનુ લેવાના બહાને દુકાનદારની નજર ચૂકવી દુકાનમાં રહેલ સોનાના દાણા રાખવા માટેના અલગ અલગ નાના-મોટા બોકસમાંથી આશરે ૮૫ જેટલા સોનાના દાણા જેની કીંમત રૂ.૧,૫૦,૦૦૦ જેટલી થાય છે તેની ચોરી કરી રફુચક્કર થયા હતા. જે અંગે દુકાનદાર દ્વારા સીસીટીવી તપાસતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે અંગે દુકાનદાર દ્વારા જાત તપાસ કરી મહિલાઓની શોધ કરવામાં આવી હતી. જો કે, મહિલાઓનો કોઈ પતો લાગ્યો ન હતો. ત્યારે આ બનાવના બે મહિના બાદ એટલે કે, ગત તા.૦૨/૦૨/૨૦૨૪૨૦૨૪ના રોજ સાંજના સમયે આ મહિલાઓના ગેંગની ત્રણ મહિલાઓ ફરી તે જ દુકાને પરત આવી હતી. પરંતુ તે સમયે દુકાનદાર હાજર ન હોતા તેના પિતા દ્વારા મહિલાઓને સોનાના દાણા બતાવ્યા હતા. જેમાંથી મહિલાઓએ રૂ.૬૦૦ ના સોનાના દાણા લેવામાં આવ્યા હતા. જે અંગે દુકાનદારે પરત આવી તેના પિતાને પુછાતા તેઓને શંકા ગઈ હતી. જેના આધારે દુકાનદારે સીસીટીવી તપાસતા તથા દુકાનનો સમાન તપાસતા તેને જાણવા મળ્યું હતું કે, સોનાના દાણાના બોક્ષમા આશરે ૯૫ જેટલા સોનાના દાણા ગાયબ થઇ ગયા છે. જેની કિંમત આશરે રૂ.૨,૦૦,૦૦૦/- થાય છે. જે સોનાના દાણાઆ મહિલાઓ દ્વારા જ ચોરી કરવામાં આવ્યા છે.ત્યારે આ ત્રણેય બહેનો બાબતે વાંકાનેર શહેર તેમજ આજુબાજુ વિસ્તારમા તપાસ કરતા કરાવતા આ મહિલાઓનો દુકાનદારને કોઈ પતો લાગ્યો ન હતો. તેમજ તેને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગઈકાલે તા.૨૩/૦૨/૨૦૨૪૨૦૨૪ના રોજ તેમની દુકાનની બાજુમાં આવેલ સોની મનહરલાલ રતીલાલની દુકાનમાથી પણ અજાણી બહેનો દ્વારા સોનાના દાણાની ચોરી કરવામાં આવી છે. જેમાં મહિલાઓએ રૂ.૧,૦૦,૦૦૦/- ની કિંમતના ૨૫ સોનાના દાણાની ચોરી કરી છે. ત્યારે આ સમગ્ર મામલે યોગેશભાઇ રસિકભાઈ બારભાષા દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સીસીટીવી કબ્જે કરી આ સીસીટીવીમાં દેખાતી મહિલાઓની તપાસ હાથ ધરી છે.