આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા દ્વારા MMC4WOMEN અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં મહિલા આરોગ્ય તપાસ અને જાગૃતિ કેમ્પ યોજાયો હતો. જેમાં મહિલાઓને ગર્ભાશય મુખના કેન્સર અને સ્તન કેન્સર અંગે જાગૃતિ સાથે મફત આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા MMC4WOMEN અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે ગઈકાલે તા. ૬ માર્ચ ૨૦૨૬ના રોજ મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે મહિલા આરોગ્ય તપાસ અને જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન મોરબી મહાનગરપાલિકા હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી સ્ટાફ દ્વારા મહિલાઓને ગર્ભાશયના મુખના કેન્સર તેમજ સ્તન કેન્સરના લક્ષણો અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી, જેથી સમયસર નિદાન અને યોગ્ય સારવાર મળી શકે. ઉપરાંત મહિલાઓની હીમોગ્લોબીન, બ્લડપ્રેશર અને બ્લડ સુગરની વિનામૂલ્યે તપાસ કરી જરૂરી સારવાર પણ આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન એનેમિયા, ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવી બીમારીઓથી બચવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પમાં શહેરની બહોળી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઈ સ્વાસ્થ્ય તપાસ કરાવી અને જાગૃતિનો લાભ લીધો હતો.









