મોરબી મહાનગરપાલિકાની ગાંધી ચોક સ્થિત મુખ્ય કચેરીના નવનિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા અંદાજિત રૂ.૪.૪૨ કરોડના ખર્ચે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. ત્યારે આધુનિક સુવિધાઓ સાથેનું નવું કાર્યાલય નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો લક્ષ્ય આપવામાં આવ્યો છે.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકા અને આસપાસની ૯ ગ્રામ પંચાયતોને ભેળવી તા. ૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ મોરબી મહાનગરપાલિકાની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ ગાંધી ચોક ખાતે આવેલ મુખ્ય ઓફિસ બિલ્ડિંગની કામગીરી પૂર્ણ કરવા માટે વહીવટી અને ટેકનિકલ તબક્કાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે અનુસંધાને હાલ ગાંધી ચોક સ્થિત મુખ્ય કાર્યાલયનું નિર્માણ કામ પ્રગતિ હેઠળ છે. સમગ્ર પ્રોજેક્ટ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રૂ.૪.૪૨ કરોડના અંદાજિત ખર્ચ સાથે વર્ક ઓર્ડર મંજૂર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની બિલ્ડીંગ શાખાના નાયબ ઇજનેરની મોનિટરિંગ હેઠળ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને ગુણવત્તા સાથે સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
નિર્માણાધિન નવા કાર્યાલયમાં અંદાજિત ૩૦ જેટલા વિભાગોને સમાવી શકાય તેવી સુવ્યવસ્થિત ગોઠવણ કરવામાં આવશે. ઉપરાંત અધિકારીઓ માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બેઠક વ્યવસ્થા, મીટીંગ હોલ, સ્ટેન્ડિંગ હોલ તેમજ પદાધિકારીઓ માટે અલગ-અલગ ચેમ્બર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે. મોરબી શહેરના નાગરિકોને એક જ સ્થળે તમામ નાગરિક સેવાઓ સુલભ અને સુવિધાસભર માહોલમાં મળી રહે તે હેતુસર આ કાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. પૂર્ણ થયા બાદ ગાંધી ચોક ખાતે મોરબી મહાનગરપાલિકાનું સંપૂર્ણ આધુનિક અને સુવિધાયુક્ત નવું કાર્યાલય નગરજનોને સમર્પિત કરવામાં આવશે.









