માધ્યમિક શિક્ષણમાં સંસ્કૃતનો વ્યાપ વધારવા શિક્ષકોને કરાયું આહ્વાન મોરબી જિલ્લામાં બાળકોને સરળતાથી સંસ્કૃત કેમ શીખવી શકાય તે અંગે સમજ અપાઈ. શ્સદગુરુ સંસ્કૃત મહાવિધાલય સંસ્કૃત પાઠશાળા ખોખરા હનુમાનધામ બેલા – મોરબી ખાતે ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર તથા મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના સંસ્કૃત વિષયના શિક્ષકોની કાર્યશાળા યોજવામાં આવી હતી. જેમાં બાળકોને સહજતાથી સંસ્કૃત કેવી રીતે શીખવી શકાય તે અંગે સમજ આપવામાં આવી હતી.

સંસ્કૃત વિષયની કાર્યશાળામાં જિલ્લાના 100 થી વધુ માધ્યમિક શાળાના સંસ્કૃત વિષય શીખવતા શિક્ષકો હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગરના મદદનિશ અધિકારી પુલકિતભાઈ જોશીએ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડનો પરિચય આપ્યો હતો. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી ડો.કે.કે.કરકર સાહેબે આગવી શૈલીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને સંસ્કૃત વિશે તેમજ બાળકોને સહજતાથી સંસ્કૃત કેમ શીખવી શકાય તે અંગે વક્તવ્ય આપ્યું હતું.જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી સાહેબે સંસ્કૃતના વિકાસ માટે આપણે તત્પર બનીએ તેમજ જિલ્લા કક્ષા તરફથી પ્રસન્ન્તા વ્યકત કરીને સંસ્કૃતનું પુનરૂત્થાન થાય તેવી શુભેચ્છા પાઠવી. કાર્યશાળાના મુખ્ય વક્તા અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ જયશંકરભાઈ રાવલે સંસ્કૃત વિષયની મહત્તા ભાષાની મૃદૂતા, સહજતા, શબ્દભંડોળ, સંસ્કૃતનું સામાજીક સ્થાન સમજાવી વર્ગખંડમાં આ ભાષાનો વ્યાપ વધારવા શિક્ષકોને આહવાન કર્યું હતું.મોરબી ખાતેની કાર્યશાળામાં કાર્યક્રમનું સંચાલન જયદીપભાઈ ઠાકરે કર્યું હતું.









