‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દિવસ’ અન્વયે મોરબીના ખોખરા હનુમાનજી ખાતે આવેલી શ્રી સદગુરૂ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આપતિ વ્યવસ્થાપન વિશે માહિતગાર કરી ‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
માહિતી બ્યુરો, મોરબીના જણાવ્યા અનુસાર, દર વર્ષે ઑક્ટોબરમાં ‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ડે’ તરીકે મનાવવામાં આવે છે. કુદરતી તેમજ માનવ સર્જીત આફત જેવી કે પુર, ભુકંપ, વાવાઝોડુ, અકસ્માત, આગ, રોગચાળો વગેરે જેવી આપત્તીઓ સંપુર્ણપણે અટકાવી શકાતી નથી, પરંતુ થોડીક કાળજી અને સજાગતા તેમજ પુર્વ તૈયારીથી આવી આફતથી થતી જાનમાલની નુકશાનીમાં ઘટાડો કરી શકાય છે. આ દિવસની ઉજવણી અન્વયે વિશ્વભરમાં લોકોને આપત્તિઓ અને જોખમો વિશે જાગૃત કરવામાં આવે છે. આ વર્ષે ‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દિવસ’-૨૦૨૩ની થીમ ‘સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે અસમાનતા સામે લડવું’ રાખવામાં આવી છે. આ ઉજવણીના ભાગરૂપે મોરબીમાં ખોખરા હનુમાન ખાતે આવેલી સંસ્કૃત પાઠશાળાના ૬૫ ઋષિકુમારોને આપત્તિ નિવારણ અંગેનું માર્ગદર્શન, અગ્નિશામક યંત્રનો ઉપયોગ અને ૧૦૮ ઇમર્જન્સી સેવાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી ડીઝાસ્ટર વિભાગના કન્સલ્ટન્ટ ડૉ. ધાર્મિક પુરોહિત, મોરબી ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા, ૧૦૮ ઇમર્જન્સી સર્વિસના કર્મચારી, સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ દિપક મહેતા અને શિક્ષકોએ હાજર રહી ઋષિકુમારોને માહિતી પુરી પડી હતી.