દરેક ભાષા લોકો સાથે વાતચીત કરવા માટે સૌથી મહત્વપૂર્ણ માધ્યમ છે અને આ માટે દર વર્ષે 21મી ફેબ્રુઆરીને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ વિશ્વભરના લોકોમાં તેમની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે રુચિ પેદા કરવાનો અને તેમને તેના વિશે જાગૃત કરવાનો છે. જેને લઇ આજ રોજ શ્રી ભૂત કોટડા પ્રાથમિક શાળામાં “વિશ્વ માતૃભાષા દિવસ”ની ઉજવણી કરાઈ હતી.
એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!ના શ્લોગન સાથે આજે ૨૧ ફેબ્રુઆરી “વિશ્વ માતૃભાષા દિવસ” ના રોજ મોરબીની શ્રી ભૂત કોટડા પ્રાથમિક શાળામાં “વિશ્વ માતૃભાષા દિવસ”ની ઉજવણી કરાઈ હતી. જેમાં ભારતનાં વેદો અને રામાયણ ગ્રંથની સાથે ગુજરાતી પુસ્તકની બાળકો દ્વારા પૂજા કરવામાં આવી હતી. તેમજ ગુજરાતી ભાષાનું મૂળ કક્કો જુદા જુદા 7 રાગમાં ત્યાંના શિક્ષિકા બેન સાંચલા ગીતાબેન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભજન, ઘુન, લગ્નગીત, લોકગીત, ચોપાઈ, દુહા-છંદ વગેરે અલગ અલગ રાગ અને ઢાળમાં ગવડવવામાં આવ્યો હતો. બાળકો ખૂબ આનંદ સાથે આ રીતે કક્કો શીખ્યા. ઉપરાંત ક થી જ્ઞ સુધી મૂળાક્ષર બાળકોએ અલગ અંદાજમાં રજુ કર્યો અને ગુજરાતી હોવાનો ગર્વ અનુભવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન હર વખતે કંઈક નવું કરવાની નેમ રાખતા ત્યાંના શિક્ષિકા બેન સાંચલા ગીતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.