મોરબીથી વાંકાનેર સુધી 8-A નેશનલ હાઇવેને ડબલ ડેક્કર બનાવવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજૂઆત અનુસાર મોરબીથી વાંકાનેર સુધી નેશનલ હાઇવેની આજુબાજુ ખુબ જ મોટા પાયે ઈન્ડસ્ટ્રીઓ આવેલી છે. આના કારણે દરરોજ મોરબીમાથી આશરે ૧૦,૦૦૦ ટ્રકોનું લોડીંગ અને અનલોડીંગ થાય છે. આ ઉપરાંત, દરેક ઈન્ડસ્ટ્રીઝ માલિકોના વાહનો અન્ય નાના ડીલવરી માટેના વાહનો, કામદારોના વાહનો તેમજ મુસાફરો માટેના વાહનોનો ટ્રાફિક આ રોડ પર રહે છે. જેના કારણે દરરોજ ટ્રાફિક જામના પ્રશ્નો બને છે. આના કારણે લોકોનો કિંમતી સમય, વાહનોના ડીઝલ-પેટ્રોલનો વ્યય, બિઝનેશ માટેના માલ-સામાનની સમયસર ડિલિવરી ન થવી વગેરે પ્રશ્નો ઉદભવે છે. રોડ પર અકસ્માતો પણ વધુ થાય છે. અને કોઈ વખત કિંમતી માનવ જીવનો ભોગ પણ લેવાય છે. આવા દરેક પ્રશ્નોનો નિકાલ કરવા માટે ગુજરાતમાં સૌથી વધુ માથાદીઠ ટેક્સ ભરતા મોરબીનો આ રોડ જે મોરબીથી વાંકાનેર સુધીનો 8A નેશનલ હાઇવે છે, તેને ડબલ ડેક્કર બનવવામાં આવે, તેવી અપીલ કરવામાં આવી છે.