મોરબીમાં ટ્રકે વધુ એક વખત યમદૂત બની એક શખ્સની જિંદગી હોમી લીધી છે. જેમાં મોટરસાઈકલ પર જતા પિતા-પુત્રીને પુરપાટ ઝડપે જતા ટ્રક ટ્રેઇલરે હડફેટે લેતા પિતા-પુત્રી ગંભીર રીતે ઘવાયા હતા, જેમાં પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે ઈજાગ્રસ્ત પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાકાનેરમાં ભાટીયા સોસાયટી ત્રીલોક ધામ પાસે જલારામ નગર ખાતે રહેતા હસમુખભાઇ કાંતીલાલ કાથરાણી તેની પુત્રી સાથે ગત તા-૨૬/૧૨/૨૦૨૩ ના સાંજના સમયે પોતાની GJ-36-H-9758 નંબરના મોટરસાઈકલ પર હળવદ મોરબી હાઇવે રોડ નીચી ઉચી માંડલ ગામ વચ્ચેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે MH-40-CD-9892 નંબરનાં ટ્રક ટ્રેઇલરના ચાલકે પોતાનું ટ્રક ટેઈલર પૂરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી આગળ જતા ફરિયાદીના મોટરસાઈકલને હડફેટે લેતા ફરિયાદીને શરીરે મુઢ ઇજા પહોંચી હતી. જયારે તેમની દીકરીને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જો કે આરોપી ટ્રક ટ્રઇલર સ્થળ ઉપરથી લઇ ફરાર થઇ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.