મોરબી જિલ્લામાં આપઘાતના બનાવો દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે વાંકાનેર તાલુકામાં બે અલગ-અલગ સ્થળોએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યું હોવાના બનાવો સામે આવતા ખળભળાટ મચી જવા પામી છે.
પ્રથમ બનાવમાં, વાંકાનેર તાલુકાનાં સેન્ટોસા સીરામીક માટેલ રોડ ખાતે રહેતા મૂળ ઓરિસ્સાનાં રૂપાલીબેન કૃષ્ણાભાઇ બીસ્કે નામના યુવતીએ ગઈકાલે સેન્ટોસા કારખાનાની લેબર કોલોનીના રૂમમાં કોઇપણ કારણોસર આશરે ૨ વાગ્યાના અરસામાં ગળે ફાંસો ખાઇ લેતા મોત નીપજ્યું હતું. જેને લઈ તેના મૃતદેહને પી.એમ. અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ પી.એમ. અર્થે ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે યુવતીને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી છે.
બીજા બનાવમાં, વાંકાનેરના સેન્ટ્રો વિટ્રીફાઇટના લેબર કવાર્ટરમાં સરતાનપર રોડ ખાતે રહેતા મૂળ બીહારના અંકુશકુમાર ક્રિષ્ના ઠાકુર નામના યુવકે ગઈકાલે રાત્રીના સમયે સેન્ટ્રો વિટ્રીફાઇટના લેબર કવાર્ટરમાં કોઇપણ કારણોસર ગળે ફાંસો ખાઇ જતા તેના મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે દિપક કુમાર દ્વારા ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી છે.