મોરબીમાં ગઈકાલે બે લોકોના અકાળે મોતની નોંધ પોલીસ ચોપડે કરવામાં આવી છે. જેમાં એક મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. જયારે બીજા બનાવમાં એક આધેડને હાર્ટ અટેક આવતા તેનું મોત નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં, મોરબીનાં ઊંચીમાંડલ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ સિમેન્ટના ગળદા બનાવવાના કારખાના ના લેબર ક્વાર્ટરમાં રહેતી શીલાબેન સુરેશભાઇ મેડા નામની પરણિતાએ ગઈકાલે લેબર ક્વાર્ટરમાં જ કોઇ પણ કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેના પતિ સુરેશભાઇ દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.ઉલ્લેખનીય છે કે, મહિલાનાં ત્રણ વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા.
બીજા બનાવમાં, વાંકાનેરનાં દરબારગઢ ખાતે આવેલ હવેલી શેરીમાં રહેતા તરૂણસિંહ ખોડુભા નામના આધેડને ગઈકાલે હાર્ટઅટેક આવતા તેને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે આધેડને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.









