“મોલ નહિ, ઑનલાઈન નહિ… મનથી ખરીદી!” સૂત્ર સાથે ગ્રુપના સભ્યોએ પાથરણા વાળાઓ પાસેથી વસ્તુ ખરીદીને ઉજાસ પાથર્યો
મોરબી : દિવાળી એટલે આનંદ, ઉલ્લાસ અને ખરીદીનો તહેવાર. પરંતુ આજના સમયમાં જ્યારે લોકો શોપિંગ મોલ અને ઓનલાઈન પ્લેટફોર્મ તરફ દોડી રહ્યા છે, ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપએ એક હૃદયસ્પર્શી સંકલ્પ લીધો —“મોલ નહિ, ઑનલાઈન નહિ… મનથી ખરીદી!”
આ વિશેષ અભિયાન અંતર્ગત યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોએ શહેરના નહેરુ ગેટ સહિતના બજાર વિસ્તારોમાં પાથરણા, રેંકડી અને કેબિન ધરાવતા નાના ધંધાર્થીઓ પાસેથી જ દિવાળીની ખરીદી કરી. દિવડા, ફૂલહાર, તોરણ, ઘર સુશોભનની વસ્તુઓ જેવી ચીજવસ્તુઓ સીધી આ સામાન્ય વર્ગના વેપારીઓ પાસેથી લઈ તેમના ઘરમાં પણ દિવાળીના દીપ પ્રગટાવ્યા છે. આ અભિયાનનો હેતુ એ હતો કે નાના વેપારીઓને સ્વનિર્ભર બનવાની તક આપવી, અને લોકોને સમજાવવું કે સાચી દિવાળી તે જ, જયાં ખુશી વહેંચાય.
યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે “દિવાળી એ માત્ર ખરીદીનો નહીં, પરંતુ સહકારનો તહેવાર છે. જો આપણે મોલ કે ઓનલાઈનને બદલે આ નાના વેપારીઓ પાસેથી ખરીદી કરીએ, તો એના ઘરમાં પણ પ્રકાશ ફેલાય. એ જ છે આપણી ભારતીય સંસ્કૃતિનું સાચું સૌંદર્ય.” યંગ ઇન્ડિયા ગ્રુપની આ માનવીય પહેલ મોરબીમાં પ્રેરણાનું ઉદાહરણ બની છે. તેઓએ અંતમાં કહ્યું કે દિવાળી ખરીદીથી નહિ, ‘ખુશી વહેંચવાથી’ ઉજવાય છે.